કહેવાય છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’. આ વાતને સાર્થક કરતા રાજુલા એસ.ટી. ડેપોમાં એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારે મુસાફરોના નાના બાળકોની સુવિધા માટે સ્ટીલનું ઘોડિયું ભેટમાં આપ્યું હતું. મૂળ ખાખબાઈ ગામના વતની વિનુભાઈ દુદાભાઈ બાબરીયા અને તેમનો પરિવાર રાજુલા એસ.ટી. ડેપોમાં આવ્યા હતા. તેમણે જોયું કે બસની રાહ જોતા મુસાફરો પાસે નાના બાળકો હોય ત્યારે તેમને સુવડાવવા કે સાચવવામાં માતા-પિતાને ઘણી મુશ્કેલી પડે છે. ડેપોમાં ઘોડિયાની સુવિધા ન હોવાથી ઉદ્ભવતી આ અસુવિધા જોઈને વિનુભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે તરત જ મદદ કરવાનો નિર્ણય લીધો. વિનુભાઈના પરિવારે સ્વખર્ચે એક મજબૂત સ્ટીલનું ઘોડિયું તૈયાર કરાવીને રાજુલા ડેપોના અધિકારીઓને સોંપ્યું હતું. આ ઉમદા કાર્ય બદલ ડેપો મેનેજર અને સમગ્ર સ્ટાફે બાબરીયા પરિવારનો આભાર માન્યો હતો અને આ કાર્યને અન્ય લોકો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.










































