આ જગતમાં સજીવ માત્ર સંવેદનશીલ છે. અસંવેદના કે જડતા એ નિર્જીવની નિશાની છે. કુદરતે માણસને વિચાર અને વાચા આપીને બીજા જીવો કરતા વિશેષ સંવેદનશીલ બનાવ્યો છે પરંતુ, આજના યુગમાં “મજબૂત બનવું” એટલે લાગણીઓ છુપાવી દેવી, દુઃખને અવગણવું અને સંવેદનાને કમજોરી માનવી, એવો ખોટો અર્થ ઘડાઈ રહ્યો છે. હકીકતમાં જો માનવીમાંથી સંવેદનશીલતા કાઢી નાખવામાં આવે, તો તે ફક્ત શ્વાસ લેતું શરીર બની રહે, જીવન જીવતું વ્યક્તિત્વ નહીં. સંવેદનશીલતા એ જીવનની ઓળખ છે. જે માણસ દુઃખથી વ્યથિત થાય, અન્યના આંસુ જોઈને અંદરથી દ્રવી જાય, અન્યાય સામે મૌન રહી ન શકે; એ જ સાચો જીવંત માનવી છે. દુઃખ અનુભવવું એ કમજોરી નથી. મિરઝા ગાલિબ કહે છે કે “દિલ હી તો હૈ ન સંગ-ઓ-ખિશ્ત, દર્દ સે ભર ન આહે ક્યોં” હૃદય પથ્થર નથી કે દુઃખથી ન ભરાય. દુઃખ થવું એ માનવતાની નિશાની છે. જે દુઃખથી અસ્પર્શ રહે, એ મજબૂત નથી, એ તો સંવેદનહીન છે. આપણી આસપાસ જુઓ તો ખ્યાલ આવશે કે માતા પોતાના બાળકની નાની પીડા જોઈને વ્યાકુળ થઈ જાય છે. શિક્ષક વિદ્યાર્થીની આંખમાં ઉભરતું અસમંજસ વાંચી શકે છે. ડાક્ટર દર્દીના દુઃખને સમજીને જ સારવાર આપે છે. ગુરુ શિષ્યની સમસ્યા સમજીને એને ઉકેલી શકે છે, મિત્ર મિત્રની મજબૂરી સમજીને મિત્રતા નિભાવી શકે છે. આ બધું સંવેદનશીલતા વગર શક્ય નથી. આજે સમયની સાથે સંવેદનહીન સમાજનું ભયાનક ચિત્ર દોરાતું જાય છે. આજે અકસ્માત થાય છે ત્યાં લોકો વીડિયો ઉતારવામાં વ્યસ્ત હોય છે પણ મદદ કરવાનું ભૂલી જાય છે. આધુનિકતાના ઓઠા નીચે
ગૃહિણીઓ ઘરમાં વૃદ્ધ માતા-પિતાને “બોજ” માનવા લાગી છે. વિરહ, વિદાય કે વેદનામાં સંવેદનશીલ વ્યક્તિની આંખમાં આંસુ આવે ત્યારે એને ઢીલો ગણવામાં આવે છે. જો આ જ ચાલતું રહ્યું, તો આપણે સંસ્કૃતિ નહીં, ફક્ત વ્યવસ્થા બચાવી શકીશું; માનવતા નહીં માણસો બચાવી શકીશું. સંવેદનશીલતા વિકાસનો અવરોધ નથી. ઘણા લોકો એવું માને છે કે સંવેદનશીલ માણસ આગળ વધી શકતો નથી પરંતુ ઇતિહાસ કહે છે કે મહાત્મા ગાંધીની શક્તિ તેમની સંવેદનશીલતામાં હતી. વિનોબા ભાવેએ માનવીને સમજ્યો એટલે ભૂદાન થયું. મધર ટેરેસાએ પીડા જોઈ એટલે સેવા જીવંત બની. સંવેદનશીલતા માણસને નબળો નહીં, જવાબદાર બનાવે છે. સંવેદનશીલતા એટલે સમજવું, સહન કરવું અને સાથ આપવો. સંવેદનશીલ હોવું એટલે દરેક વાતે રડવું નહીં, પણ સામેના માણસના મૌનને સમજવું. શબ્દો નહીં, ભાવનાઓ વાંચવી, ન્યાય માટે અવાજ ઉઠાવવો અને કોઈના દુઃખમાં એના ખભે હાથ મૂકવો. આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ છે. આજના યુગને વધુ મશીનોની નહીં, વધુ મનુષ્યોની જરૂર છે. વધુ ટેકનોલોજી નહીં, વધુ લાગણીઓની જરૂર છે. વધુ ઝડપ નહીં, વધુ સમજણની જરૂર છે. કારણ કે સંવેદનશીલતા વગરનો વિકાસ, માનવતા વગરની પ્રગતિ બની જાય છે. જીવનમાં કઠોર બનવું સહેલું છે, માનવી બનવું મુશ્કેલ છે. પરંતુ જે સંવેદનશીલ રહે છે, એ જ જીવનનો સાચો અર્થ બતાવે છે. સંવેદનશીલતા કમજોરી નથી, સંવેદનશીલતા જ જીવનની સાચી ઓળખ છે. ગાલિબના શબ્દોમાં જીવનનો અર્થ જોતા આખરે વાત એટલી જ છે કે માણસ જેટલો સંવેદનશીલ છે, એટલો જ સાચો જીવંત છે. જે દિલ દુઃખે છે, તે જ દિલ સમજવાલાયક બને છે. જે આંખ ભીની થાય છે, એ જ આંખ માનવતાને ઓળખે છે. મિરઝા ગાલિબ એ જ સત્યને બહુ સરળ પણ ગહન શબ્દોમાં કહી જાય છે “રોએંગે હમ હજારોં બાર, કોઈ હમેં સતાએ ક્યોં.”આ શેર આપણને શીખવે છે કે લાગણીઓ દબાવવી નહીં, દુઃખને સ્વીકારવું, અને સંવેદનશીલતાને કમજોરી નહીં પણ શક્તિ માનવી. સંવેદનશીલ કવિ
અમૃત ઘાયલ ગર્જના કરે છે કે “જેને કશું લાગતું નથી, એ માણસ નથી, પથ્થર છે.” એટલે કે જે દિલને કશું લાગતું નથી, એ દિલથી કોઈને કશું આપી પણ શકતું નથી. એ દિલ નથી પણ એ પથ્થર છે. સંવેદનશીલતા જ જીવનને જીવંત બનાવે છે અને એ જ માનવીની સાચી ઓળખ છે. પથ્થર પર ઇતિહાસ લખાતો નથી, ઇતિહાસ લખાય છે ધબકતા દિલ પર! મિત્રો, આંખ ભીની થાય એ હાર નથી, અન્યાય સામે અંદરથી કંઈક તૂટે એ કમજોરી નથી, અને સંવેદનશીલ હોવું એટલે પછાત હોવું એવું નથી. સંવેદનશીલતા જ સંસ્કૃતિ છે, સંવેદનશીલતા જ સભ્યતા છે અને સંવેદનશીલતા જ સાચી માનવતા છે. આવો, પથ્થર નહીં, માણસ બનીએ. કારણ કે માણસ બનવું એ જ સૌથી મોટી સિદ્ધિ છે.