અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમ અને સાહસની ભાવના ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર જિલ્લાના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અમરેલી જિલ્લા પ્રાંત અધિકારી નાકિયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, યુવા અને સાંસ્કૃતિક વિભાગ કચેરી, જિલ્લા સ્પોટ્ર્સ કોમ્પ્લેક્સના અધિકારીઓ તેમજ જિલ્લા કક્ષાની સ્પોટ્ર્સ સ્કૂલના સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરતા મહાનુભાવોએ વીર શહીદોના બલિદાનને યાદ કરી નવી પેઢીને દેશ માટે સમર્પિત જીવન જીવવાની પ્રેરણા આપી હતી. ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં નેશનલ સ્તરે મેડલ પ્રાપ્ત કરી સમગ્ર અમરેલી જિલ્લાનું નામ રોશન કરનારા ૭ નેશનલ મેડાલિસ્ટ ખેલાડીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે. આ સમગ્ર કાર્યક્રમ ગજેરા કેમ્પસ – વિદ્યાસભા સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ વીર બાળ દિવસ ઉજવણી નિમિત્તે જણાવ્યું હતું કે, “આ ઉજવણી દરેક બાળકમાં દેશપ્રેમ, સાહસ અને ગૌરવની ભાવના જગાવે છે.”










































