જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બે-ફામ અને વધુ પડતા ઉપયોગથી આજે જમીન તેની ગુણવત્તા ગુમાવી ચૂકી છે. જેના હિસાબે આજે માનવ જાત ખોરાક થકી ઝેર આરોગી રહી છે પરિણામે અનેક રોગોનો ભોગ માનવ જીંદગી બની રહી છે. સમયસર સરકાર જાગી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી માટે અનેક યોજનાઓ થકી પગલાઓ ભરી રહ્યા છે. પરંતુ
પ્રાકૃતિક ખેતી તરફ વળવામાં માનવ શ્રમની જરૂરીયાત સામે ખેતમજૂરોની અછત અને ખેડૂતોની ઈચ્છા શક્તિનો અભાવ મુખ્યત્વે કારણભૂત છે. ખેડૂતો પોતાના પરિવારના આરોગ્યની ચિંતા કરીને દરેક ખેડૂતો અને ખેતમજૂરો પોતાની જરૂરિયાતો શાકભાજી, અનાજ, કઠોળ, તેલિબિયા પ્રાકૃતિક રીતે ઉત્પન્ન કરીને પોતાના પરિવારની સુરક્ષા કરી લે તો પણ સારૂં.
કાળા માથાના માનવીની મહેનતમાં સચ્ચાઈ, ઈમાનદારી અને પરસેવો પાડીને સાચી દાનતથી મહેનત કરવાની ઈચ્છા હોય તો ઈશ્વર પણ કહે છે, ‘જા હવે સફળ થા’ પણ એ માટે લગન અને ધગશની આવશ્યકતા છે. એક એવો માણસ જે ગાય, ગામડું, ખેતી માટે કામ કરી રહ્યો છે. જેનું નામ છે રમેશભાઈ રૂપારેલીયા, ગોંડલ પરગણાના ગામડે રહીને આજે દેશ અને દુનિયામાં પોતાનો ખેતી અને ઘી-આધારીત ધંધો કરી રહ્યા છે. આ માણસના ભૂતકાળની વાત કરવામાં આવે તો સાવ સામાન્ય ખેતમજૂર, મજૂરીકામ પુરૂં કરીને રોડ ઉપરના નાલા – પુલીયાના ભુંગળામાં સુતો રહે. આમ છતાં હિમત હાર્યા વિના કોટડા-સાંગાણીથી ગોંડલ આવી જમીન વાવેતર કરવા ભાડે રાખી. ખાતરના નાણા હતા નહી. ગોંડલ શહેરમાંથી રખડતી ગાયો લાવીને તેના ગૌમૂત્ર અને છાણમાંથી ખેતી શરૂ કરી અને ઈશ્વરે ખેડૂતની મહેનત જાઈ.એ વર્ષે ખેત ઉત્પાદન અને ભાવ સારા આવ્યા અને બંધ નસીબનો દરવાજા ખુલ્લી ગયો.
આજે રમેશભાઈ રૂપારેલીયા પોતાના પ્રાકૃતિક ફાર્મ ઉપર અનાજ, કઠોળ, તેલિબિયા અને મરી મસાલાનું વાવેતર કરીને પોતાન ફાર્મ ઉપર પ્રોસેસીંગ કરી વેચાણ કરી રહ્યા છે. દેશમાં સૌથી મોંઘુ આયુર્વેદિક ઔષધિય ઘી કોઈ વેચતું હોય તો તે છે રમેશભાઈ રૂપારેલીયા. અહિં ગાયોની સેવા સાથે સંર્વધન પણ થઈ રહ્યું છે. રાજ્ય, દેશ, વિદેશના ખેડૂતો અહિં ફાર્મની મુલાકાતે અને વિદ્યાર્થીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો તાલીમ લેવા પણ આવે છે.
રમેશભાઈ રૂપારેલીયા ઝેરમુક્ત ભારત પ્રાકૃતિક અભિયાન ર૦રપ પદયાત્રા ગોંડલથી દેવાધિદેવ મહાદેવ સોમનાથ સુધી કરી રહ્યા છે. તા. રપ ડિસેમ્બરથી લઈને તા. ૮ જાન્યુઆરી સુધી ૧૧ દિવસ ચાલનારી આ પદયાત્રામાં ત્રણ જિલ્લાના ૬ તાલુકાના ૬પ ગામોમાં પસાર થશે. દરેક ગામડે ખેડૂત સાથે ઝેરમુક્ત ખેતી, ગાયનું મહત્વ અને ખેતી વિના ઉધ્ધાર નથી આ વાત ખેડૂતો, ખેતમજૂરો અને ગામડાઓમાં લોકો વચ્ચે કહેતા કહેતા યાત્રા આગળ વધશે.
આ યાત્રામાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ તેમજ અન્ય રાજ્યોના રાજ્યપાલ જાડાશે. અનેક રાજકિય – સામાજીક આગેવાનો જાડાશે. ફિલ્મ અભિનેતા અને ખેડૂત માટે કામ કરતા નાના પાટેકર, જેકી શ્રોફ જેવા અભિનેતાઓ જાડાશે. ઉપરાંત રાત્રે સંસ્કાર, સંસ્કૃતિ માટે ગામડે ગામડે લોકડાયરાઓ યોજાશે. ગુજરાત ભરના ખેડૂતો, ખેડૂતપુત્રો, ખેતમજૂરો અને ખેતી વ્યવસાય સાથે જાડાયેલા તમામને આ પદયાત્રામાં જાડાઈને ખેતી આધારીત આ દેશને શ્રેષ્ઠ ભારત બનાવવાનો સંકલ્પ લઈએ. રમેશભાઈ રૂપારેલીયાનો સંપર્ક નં. ૬૩પ૬૪ ૪૦રપ૯ છે.

: તિખારો:
જિંદગીની સફર તો તદ્દન મફત છે. પણ પાણી, વાણી અને ચારીત્ર્યની કિંમત અમૂલ્ય છે, તેને જાઈને વાપરજા. એક વખત ગયેલો સમય અને વ્યક્તિ અને આબરૂ ગયા પછી પાછા નહિં આવે.