જિલ્લામાં વારંવાર વન્યપ્રાણીઓના હુમલાથી ખેતીકામ કરવું મુશ્કેલ
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં ખાસ કરીને ખેતમજૂરોના બાળકો વન વિભાગની બેદરકારીનો ભોગ બની રહ્યા છે. ધારી તાલુકાના ગોપાલગ્રામમાં દીપડાના હુમલામાં પાંચ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. આ ઘટના સવારે આશરે ૮ઃ૩૦ વાગ્યે બની હતી, જેમાં સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનું
મૃત્યું થયું છે. સાહિલ પોતાના પરિવાર સાથે વાડીએ કામ કરી રહ્યો હતો. તે સમયે તુવેરના પાકમાં છુપાયેલા દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતદેહને તાત્કાલિક ગોપાલગ્રામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગે દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા અને દીપડાને પાંજરામાં પુરવામાં સફળતા મળી હતી. છાસવારે માનવ જીંદગીને ભરખી જતી આવી ઘટનાઓ બનતી હોવા છતા જંગલખાતાના એક પણ અધિકારી કે કર્મચારી સામે કોઈપણ કાર્યવાહી થતી નથી. ફકત પંજરા ગોઠવી કામગીરી કર્યાનો સંતોષ માનવામાં આવે છે.








































