અમરેલી તાલુકાના ચાડીયા–લાપાળીયા રોડ પર રૂ. ૨.૭૦ કરોડના ખર્ચે વિવિધ પુલો પર સ્લેબ ડ્રેઈન કામનું ખાતમુહૂર્ત રાજ્યના ઉર્જા તથા કાયદો-ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ ૧૬ કિલોમીટર લાંબા માર્ગ પર આવેલા તમામ પુલો પર કુલ ૦૪ સ્લેબ ડ્રેઈન તથા ૧૧ પાઈપ ડ્રેઈનનું નિર્માણ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં ચોમાસામાં પાણી ઓવરટોપીંગ થવાથી માર્ગ બંધ થવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “આગામી સમયમાં અમરેલી વિધાનસભા વિસ્તારના એકપણ ગામમાં વરસાદના કારણે રોડ બંધ ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. ચોમાસામાં ખાન ખીજડીયા વિસ્તારમાં વરસાદી પાણીમાં તણાઈ જવાથી થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને ધ્યાનમાં લઈ સમગ્ર અમરેલી વિધાનસભા વિસ્તારમાં આવા સંવેદનશીલ સ્થળોનો સર્વે કરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે સમગ્ર અમરેલી જિલ્લા તેમજ રાજ્યભરમાં આવા વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમરેલીના વિકાસ માટે હંમેશા ઉદાર હાથે વિકાસકાર્યો મંજૂર કર્યા છે. અમરેલી શહેરને ફરતો નવો રાધેશ્યામ બાયપાસ રૂ. ૨૭૨ કરોડના ખર્ચે બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ તથા રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે. જેમાંથી અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે રૂ. ૫૭૫ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય શંભુભાઈ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, સભ્ય આશિષભાઈ, સાજિયાવદરના સરપંચ હરેશભાઈ ધાધલ, સરંભડા, બાબાપુર સહિત આસપાસના ગામોના સરપંચો તથા ગામના અગ્રણી સાવલિયા, જયસુખભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































