રાજકોટ ખાતે ૧૦ થી ૧૨ જાન્યુ-૨૦૨૬ ના રોજ યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ઉપલક્ષમાં અમરેલી ખાતે આગામી તા. ૨૬ ડિસેમ્બરના રોજ શહેરના શ્રીમતી શાંતાબા ઓડિટોરીયમ ખાતે ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ (DLP) યોજાશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી સેવાસદન ખાતે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે જિલ્લાના ઉદ્યોગકારોએ આ બેઠકમાં કાર્યક્રમ સંદર્ભે ચર્ચા કરી હતી. આ બાબતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર સતિશ ભાટીયાએ રાજકોટ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સ અંતર્ગત આયોજિત જિલ્લા સ્તરીય આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ઉદ્યોગકારો-વેપારી સંગઠનોને આવકારવામાં આવ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી રાજકોટ ખાતે યોજાનાર કાર્યક્રમનું પ્લેટફોર્મ તૈયાર થશે. કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા અને પ્રભારી સચિવ સંદિપ કુમારની ઉપસ્થિતિમાં વેપારની નવી તકો અને રોજગારીના નવસર્જન અર્થે MoU કરવામાં આવશે.