બગસરા શહેરમાં વર્ષો જૂની મિલકત જેના વારસદારો પાકિસ્તાન ચાલ્યા ગયેલ છે તે મિલકતને ખોટી રીતે વારસાઈ કરી વેચી નાખવાનું કૌભાંડ પોલીસને અરજી કરવામાં આવતા બહાર આવ્યું છે.મળેલ માહિતી મુજબ બગસરા શહેરમાં આવેલ નદીપરા વિસ્તારમાં આવેલ મોહમ્મદભાઈ યુસુફભાઈ હિરાણીની મિલકત વર્ષો સુધી કેન્દ્ર સરકારના પોસ્ટ વિભાગ પાસે ભાડાપટે રહેલી હતી. મૂળ માલિકનું ૧૯૮૩ માંમૃત્યુ થયેલું જેના દસ વારસદારો પૈકી મોટાભાગના હાલ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે. પરંતુ મુંબઈ ખાતે રહેતા હાતિમભાઇ મોહમ્મદભાઈ હિરાણીએ ખોટા સોગંદનામા કરી પોતે એક જ વારસદાર હયાત હોવાનું બતાવી તમામ મિલકત પોતાના નામે ચડાવી દીધેલ છે. આ ઉપરાંત માતા-પિતાના નામમાં ભૂલ સુધારવા માટે ખોટા ગેજેટ પણ પ્રસિદ્ધ કરેલ છે. મોટાભાગે જે મિલકતના વારસદારો દેશ છોડી પાકિસ્તાન કે અન્ય શત્રુ દેશમાં વસતા હોય તેમની મિલકત સરકારની ગણાય છે. તેમ છતાં આ મિલકતને વેચવા માટેનો કારસો ઘડી તેના બાંધકામની પરવાનગી મેળવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જે નગરપાલિકાને ધ્યાને આવતા બાંધકામ પરવાનગી નકારવામાં આવતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. આ ઉપરાંત
મૃતક મહમદભાઈ હીરાણીના નામના ખોટા સોગંદનામા તેમના મૃત્યુ પછી પણ કરવામાં આવેલ છે. અરજદાર અકીલભાઈ વખારીયાએ આ સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર અમરેલી તેમજ બગસરા પોલીસ સ્ટેશનને રજૂ કરી શત્રુ સંપત્તિ અધિનિયમ ૧૯૬૮ મુજબ વેચાણ કોઈ કરી શકે નહીં તેમ છતાં આ મિલકત વેચવાનો પ્રયત્ન કરેલ છે તો ગુનો દાખલ કરી સમગ્ર મિલકત સરકાર હસ્તક કરે તેવી માંગ કરેલ છે.