અમરેલી તાલુકાના નાના ગોખરવાળા મુકામે અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત પણ કરાયું
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ અમરેલી તાલુકાના સોનારીયા મુકામે નવનિર્મિત આરોગ્ય સબ સેન્ટરનું રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે રાજ્યમંત્રીએ અંદાજે રૂ. ૪ લાખના ખર્ચે નવનિર્મિત બસ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્યકક્ષાએ સતત અને અવિરત વિકાસકાર્યો શરૂ છે. વિકાસના દરેક કામ ગુણવત્તાલક્ષી ધોરણે કરવામાં આવે તે અમારી પ્રાથમિકતા છે. જનસામાન્યને પણ મોટી બીમારી સમયે મદદ મળે તે માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મારફત રૂ. ૧૦ લાખની સહાય પુરી પાડવામાં આવે છે. રાજ્યમંત્રીએ દરેક ગ્રામજનોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અનુરોધ કર્યો હતો. અમરેલીના નાના ગોખરવાળા મુકામે અંદાજે રૂ. ૨૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર ગ્રામ સચિવાલયના નવા મકાનની કામગીરીનું રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ બગડા, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, સભ્યો, ગ્રામ પંચાયત સરપંચ જીલુભાઈ ધાધલ સહિત પંચાયત સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










































