સાવરકુંડલા તાલુકામાં વિકાસની ગતિને વધુ વેગ આપવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ રૂ.૩.૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના નાગરિકોને સુશાસન અને સરળ સેવાઓ મળી રહે તે હેતુથી લુવારા, જીરા અને ગોરડકા ગામોમાં રૂ.૨૫-૨૫ લાખના ખર્ચે એમ કુલ રૂ.૭૫ લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત (ગ્રામ સચિવાલય) ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સીમરણ ગામે દલિતવાસ વિસ્તારમાં વર્ષો જૂની પાણી નિકાલની સમસ્યા હલ કરવા રૂ.૬૦ લાખના ખર્ચે સ્લેપ ડ્રેન તેમજ પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ મંજૂર કરાયું છે, જેનાથી આસપાસના મકાનો અને જમીનનું ધોવાણ અટકશે.
વાહનવ્યવહારને સુરક્ષિત અને સુલભ બનાવવા માટે જીરા–ચાંદગઢ રોડ પર રૂ.૧ કરોડના ખર્ચે નિર્માણ પામનારા મહત્વપૂર્ણ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સીમરણ પેટા આરોગ્ય કેન્દ્ર પાસે રૂ.૬૫ લાખના ખર્ચે બનનારા બ્રિજનું પણ કામ શરૂ કરવામાં આવ્યું છ. ધારાસભ્યએ જીરા–જીરા સ્ટેશન રોડ, જીરા ગામ, બોરાળા, ઓળીયાથી નાના ભમોદ્રા અને નેસડીથી સાવરકુંડલા વચ્ચે બની રહેલા વિવિધ માર્ગોના ચાલુ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કસવાલાએ જણાવ્યું હતું કે, “વિકાસકાર્યોને ગતિ આપવા સરકાર પ્રતિબદ્ધ છે અને દરેક ગામમાં મૂળભૂત સુવિધાઓનું સશક્તિકરણ એ અમારી પ્રાથમિકતા છે.” આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો, સંગઠનના અગ્રણીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસકાર્યોને વધાવી લીધા હતા.






































