ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના ચારનાળા ચોકડી નજીક મોરી શીપીંગ કંપની પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતી ફોરવ્હીલ કાર અચાનક કાબુ ગુમાવી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક નશાની હાલતમાં હોવાથી વાહન પર નિયંત્રણ ગુમાવ્યું હોવાનું જણાવાયું છે. ભીષણ અથડામણથી કારનો કચ્ચરઘાણ થઇ ગયો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો, જેને તાત્કાલિક ૧૦૮ની મદદથી નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.