ચલાલા નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો સરકારના નિયમ મુજબ તેમના પગારમાંથી ઇ.પી.એફ. કપાત શરૂ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી હડતાલ પર હતા. કામદારોનું કહેવું હતું કે નગરપાલિકામાં અન્ય તમામ રોજમદાર કર્મચારીઓ ઓફિસ, પાણી પુરવઠા, ઇલેક્ટ્રિક વિભાગ, ડ્રાઇવરોનો નિયમિત પી.એફ. કપાય છે, પરંતુ માત્ર સફાઈ કર્મચારીઓ ગુમ છે, જે વર્ષોથી તેમના શોષણ સમાન છે. કામદારો અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા બાદ, આખરે ૨૮ નવેમ્બરની બપોરે હડતાલ પર ઉતર્યા હતા. શહેરમાં બે દિવસ સુધી ગંદકીના ઢગલા જોવા મળતા જનજીવન પર અસર થઈ હતી. રવિવારે ચીફ ઓફિસર અને પ્રમુખે વહેલી તકે પી.એફ. કપાત શરૂ કરવાની લેખિત ખાતરી આપતાં સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધી છે અને આજથી ફરી કામે જોડાશે. હડતાલ બંધ થતા શહેરવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.








































