રાજુલા શહેરમાં વરસાદ-વાવાઝોડા દરમિયાન વારંવાર લાઇટ જવા જેવા વર્ષોના પ્રશ્નોને પૂર્ણવિરામ આપવાની દિશામાં ઐતિહાસિક વિકાસ પગલું ભરાયું છે. સમગ્ર શહેરમાં કુલ ૩૮ કિલોમીટર અંડરગ્રાઉન્ડ ઇલેવન કે.વી. વાયરિંગનું કામ રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત માર્કેટિંગ યાર્ડ સામે શહીદ ચોક ખાતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે આજે યોજાયું. ધારાસભ્ય સોલંકીએ પી.જી.વી.સી.એલ.ની ટીમને આ મહત્વપૂર્ણ કાર્ય માટે અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, રાજુલા શહેરમાં વીજ પુરવઠાની સમસ્યાઓ વર્ષોથી નાગરિકો માટે કંટાળાજનક બની ગઈ હતી. આ તકે રવુભાઈ ખુમાણ, જીગ્નેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ મયુરભાઈ દવે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ વાઘ, કારોબારી ચેરમેન હેમલ વસોયા, ધવલ દુધરેજીયા વગેરે આગેવાનો હાજર રહેલ હતા.




































