બગસરા તાલુકાના હામાપુર ગામે મંગળવારે ધોળે દિવસે પાંચ વર્ષીય બાળક પર સિંહણે હુમલો કરી ફાડી ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભયનો માહોલ છવાયો હતો. માનવભક્ષી બનેલી સિંહણને પકડવા માટે વનખાતાએ આખી રાત કવાયત કરી હતી અને આખરે સિંહણે પકડવામાં સફળતા મેળવી હતી. બગસરા તાલુકાના હામાપુર ગામે મજૂરીકામ કરતા વિનોદભાઈ ડામોરના પાંચ વર્ષીય પુત્રને સિંહણે તુવેરના પાકમાં લઈ જઈ ફાડી ખાધો હતો. બાળકનો મૃતદેહ અર્ધખાધેલી હાલતમાં પરિવારને મળ્યો હતો. જેથી પરિવારે વનખાતાને જાણ કરતા વનવિભાગની ટીમે સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી હતી. બુધવારના રોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ સિંહણ મહામુસીબતે પાંજરે પુરાઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ બાળકને ફાડી ખાધો તેના પ૦૦ મીટર એરિયામાં જ સિંહણ બેઠી હતી. સિંહણના બચ્ચા પણ હોવાથી બચ્ચા સાથે સિંહણને પકડી પરીક્ષણ અર્થે સક્કરબાગ ખાતે ખસેડવામાં આવી હતી. સિંહણે બાળકને ફાડી ખાધાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ફફડાટ ફેલાયો છે.






































