બગસરા પંથકમાં વન્યપ્રાણીઓના આંટાફેરા હવે સામાન્ય બની ગયા છે. જેમાં ખાસ કરીને હામાપુર નજીક સિંહોનો વસવાટ હોય ત્યારે એક પાંચ વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધાની ઘટના સામે આવતા અરેરાટી પ્રસરી જવા પામી છે. બગસરા તાલુકાના હામાપુર ગામે ખેતમજૂરી કરતા વિનોદભાઈ ડામોર રહે.ફતેપુરા હાલ. રમેશભાઈ સોજીત્રાની વાડીએ બપોરના સમયે કામ કરતા હતા ત્યારે અચાનક સિંહ શિકારની શોધમાં ત્યાં ધસી આવ્યો હતો. પાંચ વર્ષીય કનક વાડીમાં તેની માતાની નજીક જ રમતો હતો ત્યારે સિંહે અચાનક જ બાળક પર હુમલો કરી દીધો હતો અને જડબામાં લઈ નાસી છુટ્યો હતો. સિંહ બાળકને લઈ નાસી છુટતા માતાએ રાડારાડ કરી મુકતા લોકો સિંહની પાછળ દોડ્યા હતા પરંતુ સિંહે આટલીવારમાં જ બાળકને ફાડી ખાધો હતો. સિંહના હુમલાથી ખેતમજૂરી કરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ, બગસરા પીઆઈ ગીડા સહિતનાઓ હામાપુર દોડી ગયા હતા અન બાળકના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે બગસરા સરકારી દવાખાને ખસેડ્યો હતો.