અમદાવાદના ગુરુકુળ મેમનગર ખાતે ૨૧ નવેમ્બરે એક અવિસ્મરણીય અને અભૂતપૂર્વ પ્રસંગે ઇતિહાસ રચાયો હતો. આ ગુરુકુળના સુવર્ણ જયંતી મહોત્સવ (તા. ૨૨ ડિસેમ્બરથી ૧૧ જાન્યુઆરી) નિમિત્તે યોજાનાર ભવ્ય ૫૧ કુંડી ‘મહાવિષ્ણુયાગ’ના યજ્ઞશાળા નિર્માણ પૂર્વે, ‘૧૦૦૮ તીર્થોની માટી યાત્રા’નું અલૌકિક આયોજન થયું હતું.
સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાઈ રહેલા આ મહાયજ્ઞ મહોત્સવમાં, યજ્ઞશાળાના નિર્માણ માટે ભારતના ૧૦૦૮ પાવન તીર્થધામોની માટીનો સંગ્રહ કરવાનો વિરાટ સંકલ્પ કરવામાં આવ્યો હતો.
આપણી સંસ્કૃતિમાં માટી માત્ર ધરતીનો અંશ નથી, પણ તે પવિત્ર તીર્થક્ષેત્રોની અખંડ ઊર્જાનું પ્રતીક છે. તીર્થભૂમિની માટીમાં સંતોના તપ, ઋષિઓના આશીર્વાદ અને કરોડો ભક્તોની શ્રદ્ધાનો સંગમ થયેલો હોય છે. આ માટીને યજ્ઞશાળાના પાયામાં સ્થાપિત કરવાનો અર્થ છે – યજ્ઞને સમગ્ર ભારતની પવિત્રતા અને આધ્યાત્મિક ચેતનાથી સિંચવો. આ પાવન રજકણો યજ્ઞના પ્રત્યેક અગ્નિમાં ભારતવર્ષની એકતા અને સનાતન ધર્મની મહાનતાનું ગાન કરશે.
છ માસના લાંબા સમયગાળા દરમિયાન, ગુરુકુલના સ્વયંસેવકોએ ઉત્તરમાં બદરીનાથના હિમાચ્છાદિત શિખરોથી માંડીને દક્ષિણમાં રામેશ્વરમમાં સાગર સુધી અને પૂર્વમાં જગન્નાથપુરીના રથોત્સવની ભૂમિથી પશ્ચિમમાં દ્વારકાધીશની નગરી સુધીની અખંડ યાત્રા ખેડી. આ યાત્રામાં અનેક તીર્થો, પુણ્યસલિલા નદીઓ અને પવિત્ર સરોવરોની માટીનું ભક્તિભાવપૂર્વક સંકલન કરવામાં આવ્યું. આ માત્ર માટીનો સંગ્રહ નહોતો, પણ ભારતની આત્મિક ધરોહરનો ઐતિહાસિક સંગમ હતો. એચ.બી. કાપડિયા સ્કૂલના વિશાળ ગ્રાઉન્ડથી આ સંગ્રહાયેલી માટીની દિવ્ય ‘તીર્થ માટી યાત્રા’નો પ્રારંભ થયો હતો. ડી.જે.ના ભક્તિસભર તાલે ઝૂમતા અને ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન-ભજનના મંગલ નાદ કરતા, સહુ ભક્ત સમૂહ ગુરુકુલ તરફ આગળ વધ્યો. આ દૃશ્યમાન દિવ્યતા અને શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ જોવા માટે માર્ગની બન્ને બાજુએ જનમેદની ઉમટી પડી હતી. જ્યારે માટી યાત્રા ગુરુકુલના પ્રાંગણમાં પ્રવેશી, ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.