ગુજરાતની પંચાયતોમાં વારંવાર ભ્રષ્ટાચારની બૂમો ઉઠતી હોય છે. સરપંચો હોદ્દાનો ખોટો ઉપયોગ કરી પોતાના સ્વાર્થ માટે ગામલોકો સાથે છેતરપીંડી કરતા હોય છે. ત્યારે જંબુસર તાલુકામાં આવેલા દેવલા ગામના મહિલા સરંપચ રુ. ૨૩.૭૦ લાખનો ભ્રષ્ટાચાર આચરતાં કાર્યવાહી કરાઈ છે. જાણકારી અનુસાર દેવલા ગામના મહિલા સરપંચ રેહાનાબાનુ અબ્દુલસમદ પટેલે રૂ. ૨૩.૭૦ લાખના ખોટા બિલ પાસ કરી દીધા હતા. જેની રજૂઆત  જાગૃત નાગરિક ઇમરાન પટેલે જીલ્લા વિકાસ અધિકારીને કરી હતી. જે બાદ સરપંચ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી.અહેવાલ અનુસાર મહિલા સરપંચ રેહાના પટેલ તેમના સાગરિતોએ મળીને ગામ પંચાયતમાં બોગસ બીલો મૂકી ભ્રષ્ટાચાર કરાયાના આરોપ ગામમાં જ રહેતાં ઈમરાન પટેલે કર્યા હતા. મહિલા સરપંચ રેહાનાબાનુ  પટેલ ૧૯ જાન્યુઆરી ૨૦૨૨માં સરપંચ પદે આવ્યા હતા. તેમણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મળેલી પહેલી મિટીંગમાં ૧૫.૭૦ તેમજ ૧૯ માર્ચ ૨૦૨૨ બીજી મિટીંગમાં ૮ લાખ મળી કુલ રુ. ૨૩.૭૦ લાખની વધુના ખોટા બીલો મંજૂર કર્યા હતાં. તમામ બીલોમાં ખોટી સહી કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તે બીલો પહેલાં ચુકવાઈ ગયાં બાદ તેના ઠરાવ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ગામના જાગૃત નાગરિક ઇમરાન પટેલે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા ઇમરાન પટેલના એડવોકેટ આસિફ પાલેજવાળાની ધારદાર રજૂઆતને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  સાથે જ દેવલા ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુપી સરપંચને તાત્કાલિક સોંપવા આદેશ આપવામાં આવ્યો છે.