મહારાષ્ટ્રમાં દક્ષિણ મુંબઈ વિસ્તારમાં એક ખાનગી સ્ટીલ કંપનીમાં મૂળ ગુજરાતના રહીશ એવા ૩૯ વર્ષના એક કર્મચારીની તેના જ સહકર્મીએ ઢોર માર મારીને હત્યા કરી નાખી. આ વાતની જાણકારી એક પોલીસ અધિકારીએ આપી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ગિરગાંવ સ્થિત સેન્ટેક કોટેડ સ્ટીલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં રાતે ૧ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે ઘટી. મૃતકની ઓળખ ગુજરાતના બનાસકાંઠાના રહીશ રમેશ હાજી ચૌધરી તરીકે થઈ છે. પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ તે પરિસરમાં રહેતા અને કામ કરતા આરોપી સૂરજ સંજય મંડલ (૨૨)એ ચૌધરી પર લાકડીનું સ્ટૂલ અને અગ્નીશામક યંત્રથી હુમલો કર્યો. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જીવલેણ હુમલો કયા કારણે કરવામાં આવ્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે જણાવ્યું કે ભારતીય ન્યાય સંહિતા હેઠળ આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે અને તેને પકડવાના પ્રયત્નો ચાલુ છે. પોલીસે દાવો કર્યો કે આરોપીની જલદી ધરપકડ થઈ જશે.








































