જીવન એક અનોખી મુસાફરી છે. દીર્ઘકાળ પર્યંત ચાલનારી યાત્રા છે. જન્મથી પ્રારંભના સાત-આઠ વર્ષ સુધી આપણે ખુદ આપણાથી અજાણ અપરિચિત રહીએ છીએ. પછી આ અબોધ જીવ માતા-પિતા, નાના મોટા ભાઈ-બહેનો અને અનેક સગા-સંબંધીઓના સંપર્કમાં આવે છે. આ શૈશવનો વિકાસ પરાવલંબન વગર થતો નથી. બચપણ વીતી જાય અને ઘર અથવા શાળામાં આપણા સમોવડિયા સાથે હરવા ફરવા અને રમવાનું શરૂ થઈ જાય છે. એ સમયના મિત્રોની યાદ ચિતમાં સવિશેષ રહી જાય છે. ત્યારબાદ નોકરી-ધંધા અને કામકાજના સ્થળના સાથી મિત્રો અને એ રીતે જન્મથી લઈને અત્યાર સુધી આપણે ઘણા બધા લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક અનુભવો મેળવીએ છીએ અને અનેક ગમતી અણગમતી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. એમાંના કેટલાક અનુભવ તો સમય સાથે ધૂંધળા પડી જાય છે, પણ કેટલાક સ્મૃતિરૂપ બનીને જીવનભર આપણો સાથ છોડતા નથી. ખાસ કરીને શાળા-કોલેજના દિવસો અને ત્યાર પછીથી વર્તમાન સમય સુધીના સામાજિક જીવનમાં મળેલા મિત્રો અને સ્નેહીઓ તો જીવનનો અમૂલ્ય ખજાનો હોય છે. કેટલાક મિત્રો આપણા હૃદયમાં એવી ખાસ જગ્યા બનાવી લે છે કે વર્ષો વીતી જાય છતાં તેમની યાદો તાજી જ રહે છે. શૈશવની રમત-મસ્તી, કિશોરાવસ્થાની શરારતો, યુવાનીની મોજ-મસ્તી અને વ્યવસાયિક જીવનના અવનવા પ્રસંગો આ બધું આપણે ભૂલી શકતા નથી. સમય બદલાય છે, પરિસ્થિતિઓ બદલાય છે, જવાબદારીઓ વધે છે; પણ સંબંધોની યાદો ક્યારેય ઉંમરની સાથે જૂની થતી નથી. સમયના વહેણમાં આપણે ઘણા લોકોને ગુમાવી પણ દઈએ છીએ. કેટલાક મિત્રો પરદેશ જઈ વસે છે, કેટલાકનું લગ્નજીવન પોતાની દિશા લઈ લે છે, કેટલાક રોજગાર કે પારિવારીક વ્યસ્તતામાં એટલા ખોવાઈ જાય છે કે ફરી મળવાનું દુર્લભ બની જાય છે પરંતુ તેમની યાદો જળવાઈ રહે છે. ત્યાર પછીની દુનિયા તો જાણે કોઈ નવી જ દુનિયા હોય છે. જીવનના રંગમંચ પર એક અનેરા અને અપરિચિત મિત્રમંડળમાં આપણે જોડાઈએ છીએ. કેટલાક લોકો આપણા હિતેચ્છુ અને સહાયક હોય છે જ્યારે કેટલાક આપણને ધક્કો મારતા ચાલ્યા જતા હોય છે. પરંતુ જીવનમાં કાયમ મીઠી યાદ રૂપે હરહંમેશ સ્મૃતિપટ પર છવાઈ જનારની સંખ્યા ખૂબ ઓછી હોય છે. એમની યાદો અને વાતો તો મનમાં એવી જ જળવાઈ રહે છે જેમ કે જૂના ફોટાના પાનાંઓ વચ્ચે દબાયેલું સુકાયેલું ફૂલ — સુકાયું હોવા છતાં સુગંધ ભુલાવતું નથી.
આ જીવન સફરમાં આપણે કેટલાય લોકો સાથે મળીએ છીએ — જાણીતાં, અજાણ્યા, સ્વજનો, સહકાર્યકરો ઘણાં તો ફક્ત પસાર થઈ જાય છે, પણ થોડાંક જ મનમાં ઊંડું સ્થાન બનાવી લે છે. અજાણતાં જ એમના સ્મરણો આપણામાં જિંદગી પ્રત્યેનો ભાવ બદલતાં જાય છે. કોઈ મિત્રની એક નાની મદદ, કોઈનું સ્મિત, કોઈની સમજણભરી વાત આ બધું મળીને આપણું વ્યક્તિત્વ ઘડે છે. પરંતુ દરેક સ્મૃતિ મીઠી હોય એવું નથી. જીવનની કડવી યાદો પણ આપણને ઘણું શીખવે છે. ક્યારેક કોઈ પ્રિયજનનો વિયોગ, કોઈ મિત્રોનું અચાનક અવસાન, કોઈ સંબંધનું તૂટવું — આ પ્રસંગો હૃદયને ભારે બનાવે છે, પરંતુ જીવનને સમજદાર પણ બનાવે છે. આજની વ્યસ્તતા વચ્ચે એક ક્ષણ રોકાઈને જો આપણે આપણા જૂના દિવસોને યાદ કરીએ, તો સમજાશે કે જીવન કેટલું લાંબું પણ છે અને કેટલું ટૂંકું પણ. કોઈને મળવા, વાત કરવા કે “કેમ છો?” પૂછવા માટે આજે જ યોગ્ય સમય છે. કાલ આવે કે ન આવે, એ તો કોઈને ખબર નથી. જિંદગી એક યાત્રા છે, સ્મૃતિઓ એ એની પૂંજી અને મિત્રો એ એની સાચી કમાણી. કેટલી યાત્રા કરી છે આપણે! અને કેટલી બાકી છે? એ પ્રશ્નો જ આપણને જીવનના અર્થ તરફ લઈ જાય છે. જીવનની આ યાત્રામાં આવતા સુખ-દુઃખમાં સાથે રહેનાર સગા-સબંધી, સ્નેહી મિત્રો સાથે વિતાવેલ સમય અને એકબીજાના સ્નેહભાવ સાથેનું વર્તન જ સાચું સુખ છે. આ જીવન યાત્રામાં સેવા, સત્સંગ અને સારો વ્યવહાર જ વર્તમાન અને ભવિષ્યની આખરી મંજિલ પછી યાદો સ્વરૂપે હૃદયમાં અકબંધ સચવાઈ રહે છે. અને આવી યાદો વાગોળીએ તો અઢળક આનંદ આપે છે. બાકી બધી ઘટનાઓ ભૂતકાળ બનીને ભૂલાય જતી હોય છે. ત્યારે હમણાં જીવનના ૪૯ વર્ષ પૂર્ણ કરીને પચાસમાં વર્ષમાં પ્રવેશ વખતે શુભેચ્છાઓ પાઠવીને અવતરણ દિવસને આનંદમય બનાવનાર, લાગણીથી જોડાયેલા બાળપણથી અત્યાર સુધીના જીવનના સુખ-દુઃખના સાથી એવા સૌ શુભેચ્છક મિત્રો, સ્નેહીજનો અને પરિવારના સૌ સભ્યોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ..















































