સાવરકુંડલામાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કરોડો રૂપિયાને સગેવગે કરવાના એક સનસનીખેજ મામલામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ મળીને એક સ્થાનિક વ્યક્તિના નામે બેંક ખાતું ખોલાવી તેમાં મોટી રકમ જમા કરાવી હોવાનું સામે આવ્યું હતું. સાવરકુંડલામાં રહેતા ઇમ્તીયાઝભાઇ નિઝામભાઇ ભટ્ટી તથા અમનભાઇ અબ્દુલભાઇ ચાંદ તેમજ રાજકોટમાં રહેતા આમીરભાઇ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ મળીને કુલ રૂ.૮૫,૭૮,૩૩૩ની રકમ સગેવગે કરવા માટે કાવતરું રચ્યું હતું. આ ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ સાવરકુંડલાના રહેવાસી ઇમ્તિયાઝભાઈ ભટ્ટીના નામે શહેરની બેંક ઓફ ઇન્ડિયામાં એક બેંક ખાતું ખોલાવ્યું હતું. આ ખાતું ‘મ્યુલ ખાતું’ તરીકે ઉપયોગમાં લેવાયું હતું, જ્યાં સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં જમા થતા હતા. આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે, આ નાણાં ચોરીના હોવાનું જાણવા છતાં, તારીખ ૦૧/૦૮/૨૦૨૫ થી તારીખ ૧૦/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળામાં કુલ રૂ.૮૫,૭૮,૩૩૩ જમા કરાવ્યા હતા. આ રકમ જમા થયા બાદ આ મ્યુલ ખાતામાંથી રૂ.૮૫,૦૩,૪૨૦ જેટલી મોટી રકમ NEFT, IMPS અને UPI જેવા માધ્યમો દ્વારા અલગ-અલગ ખાતાઓમાં આૅનલાઇન ટ્રાન્સફર કરીને સગેવગે કરી નાખી હતી. આરોપીઓએ એકબીજાને મદદગીરી કરીને આ ગંભીર ગુનો આચર્યો હોવા અંગે ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.







































