મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા આ યાર્ડમાં ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ સવારે ૯ વાગ્યાથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, ૬ નવેમ્બરથી ૯ નવેમ્બર સુધી, એટલે કે ત્રણ દિવસ માટે મગફળીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે. મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે યાર્ડમાં મગફળીનો મોટા પ્રમાણમાં ભરાવો થઈ જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓને મગફળી વેચાણ માટે ન લાવવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્રણ દિવસ માટે આવક બંધ થવાથી ખેડૂતોને તેમની જણસ વેચવામાં વિલંબનો સામનો કરવો પડશે.






































