અમરેલી સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. થેલેસેમિયાની ગંભીર બીમારીથી કંટાળી ગયેલા એક દર્દીએ હોસ્પિટલના બાથરૂમમાં જ પોતાની જાતે ગળાના ભાગે છરી મારી દીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર જગદીશભાઈ છેલ્લા ૧૨ વર્ષથી થેલેસેમિયાની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ બીમારીના કારણે તેમના શરીરમાં લોહીની ટકાવારી સતત ઓછી રહેતી હતી, જેના કારણે તેમને અવારનવાર ચક્કર આવતા હતા અને શારીરિક તેમજ માનસિક તકલીફનો સામનો કરવો પડતો હતો.
તા.૦૩/૧૧/૨૦૨૫ના રોજ તેમને સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, આ લાંબી અને પીડાદાયક બીમારીથી જગદીશભાઈ એટલા કંટાળી ગયા હતા કે તેમણે ૦૪/૧૧/૨૦૨૫ના રોજ તેમણે એક આત્યંતિક પગલું ભર્યું હતું. તેમણે સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૦ના બાથરૂમમાં જઈને છરી વડે પોતાની મેળે ગળાના ભાગે ઘા મારી દીધો હતો. આ ઘટનાથી હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ અને હોસ્પિટલ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.