ભગવાને પૃથ્વી ઉપર પોતાની એક મોટી ઓફિસ ખોલીને પૃથ્વીના દરેક માણસોને અવેલેબલ હોય તે રીતે રહેવું જોઈએ. પૃથ્વીના અને બ્રહ્માંડના જે કોઈ રહસ્યો છે તે બધા ઓપન કરી નાખવા જોઈએ. કોઈ એની ભક્તિ એટલે કે ચમચાગીરી કરે એનું જ કલ્યાણ થાય એવો નિયમ બદલાવીને એણે માત્ર કર્મ આધારિત ફળ રાખવા આપવાનો જ તટસ્થ નિયમ અમલમાં મૂકવો જોઈએ. એટલે આમ તો એવું છે જ પણ એણે પોતે આવું એનાઉન્સમેન્ટ કરી દેવું જોઈએ. ભગવાનની ઓફિસ એવી જગ્યાએ હોવી જોઈએ કે જ્યાં કોઈ દેશની હદ ન હોય. (અથવા દેશ સિસ્ટમ નાબૂદ કરવી પડે. નહિતર ડખા થાશે…) મનુષ્યની અરજીઓ સ્વીકારવા અને તેને ન્યાય આપવા માટે એનું આખું મંત્રીમંડળ પણ ઓફિસમાં હોવું જોઈએ. એમાં એક જ વિભાગમાં એક જ વ્યક્તિ હોય કે થોડા ઘણા લોકો જ હોય અને સરકારી કામકાજની જેમ લોકોની અરજીઓ ટલ્લે ચડે છે એમ ટલ્લે ન ચડવી જોઈએ પણ એમાં એઆઈ સિસ્ટમ રાખીને દરેક અરજીને વન ટુ વન જવાબ મળવા જોઈએ અને એનો તાત્કાલિક નીવેડો આવવો જોઈએ. જો ઈશ્વરને આવું કંઈક કરવામાં રસ હોય તો વધુ સારી વ્યવસ્થા કઈ રીતે કરી શકે તે અંગેનું માર્ગદર્શન હું ઈશ્વરને આપવા તૈયાર છું. કોઈને ભગવાન મળે તો એમને મારો નંબર આપી દેજો. હું એમને આખો સેટઅપ કઈ રીતે તૈયાર કરવો એ અંગે એક પણ રૂપિયો લીધા વગર બધું સમજાવીશ. હું કોઈના કામ મફતમાં કરતો નથી પણ ઈશ્વર માટે આ એક સ્પેશિયલ ઓફર છે. એણે સર્જેલી માનવ સૃષ્ટિ પ્રત્યે એની અનેક ફરજો છે પણ એ ફરજો બજાવવાને બદલે ભગવાન ભાગી ગયો છે એના કારણે એના પ્રત્યે દયાપૂર્વક આ પેકેજ હું જાહેર કરું છું. ભગવાન પોતાની સૃષ્ટિમાં કેવા કેવા ચેન્જીસ લાવી શકે તેમ છે તે અંગે અહીં હું કેટલાક અદ્‌ભૂત આકર્ષણો રજૂ કરું છુંઃ પહેલું તો એ કે જીવ સૃષ્ટિમાં અલગ અલગ યોનીઓ વચ્ચેનો કમ્યુનિકેશન ગેપ હટાવો. માણસ કૂતરા સાથે, કૂતરો વૃક્ષ સાથે, વૃક્ષ માછલી સાથે, માછલી પાણી સાથે, પાણી પથ્થર સાથે, પથ્થર ખુરશી સાથે, ખુરશી લીંબોળી સાથે, લીંબોળી પંખા સાથે, પંખો પપૈયા સાથે, પપૈયા પતંગ સાથે, પતંગ પેન સાથે, પેન વાંદરા સાથે, વાંદરો વાદળ સાથે, વાદળ કીડી સાથે, કીડી સૂર્ય સાથે, સૂર્ય પાતાળ સાથે, પાતાળ પંપુડા સાથે, પંપુડુ શૂન્યાવકાશ સાથે, શૂન્યાવકાશ લોહચુંબક સાથે, લોહચુંબક ટચલી આંગળી સાથે, ટચલી આંગળી વાયર અને વાયર વિલિયમ શેક્સપિયર સાથે અને વિલિયમ શેક્સપિયર મીરાબાઈ સાથે અને મીરાબાઈ જોન ડ્રાઇડન સાથે અને જોન ડ્રાઇડન ડ્રોન સાથે અને ડ્રોન ડોન સાથે અને ડોન નારદજી સાથે અને નારદજી બેન્જામિન સાથે અને બેન્જામિન નેતન્યાહુ મુસ્લિમ જગત સાથે ડાયરેક્ટ વાત કરી શકે તેવી વ્યવસ્થા ઈશ્વરે કરવી જોઈએ. જડ અને ચેતન પણ એકબીજા સાથે વાત કરી શકવા જોઈએ. દુનિયા આખીમાં જે ડખા થાય છે એ બધા કમ્યુનિકેશન ગેપના કારણે જ થાય છે. આ તો પહેલા એનું કંઈક કરો. વસ્તુઓમાં પણ જીવ પુરવાનું રાખો. જીવોનો જથ્થો ખૂટી ગયો હોય તો નવા ક્રિએટ કરો. ખુરશી નજીક લાવવી હોય તો પટાવાળાને નહીં કહેવાનું કે ખુરશી આ બાજુ આવવા દો. ખુરશી ને જ કહેવાનુંઃ “અહીંયા આવ ને, બેટા…”
પછી બીજું, મનુષ્યની નગરપાલિકાઓમાં જે રીતે જન્મ-મરણ નોંધણી વિભાગ હોય છે તે રીતે ઈશ્વરની ઓફિસમાં પણ એક જન્મ-મરણ વિભાગ હોવો જોઈએ. આ વિભાગનું કામ જરા જુદી રીતનું રાખવાનું.
આમ તો મારી પહેલી સલાહ એ હતી કે જન્મ-મરણ સિસ્ટમ જ કેન્સલ કરો. બધા જ અમર… તથાસ્તુ…
આમ પહેલી નજરે સર્વગ્રાહી અમરતા આકર્ષક લાગે પણ પછી મેં એમાં થોડો ફેરફાર વિચાર્યો છે એટલે જ ભગવાનને જન્મ-મરણ વિભાગ બનાવવાનું કહ્યું છે. અમરતામાં પછી એવું થાય કે ઘણા લોકો જીવી જીવીને કંટાળી જાય. એક સમય એવો આવે કે અમરતા પણ વરદાનને બદલે શાપ જેવી લાગવા માંડે અને આ બધું ભગવાને મરવાની સિસ્ટમ જ કેન્સલ કરી નાખી હોય (મારી સલાહ માનીને). એટલે જન્મ મરણ વિભાગમાં પહેલા થયેલા ઈશ્વરના માણસોએ મરવા ઇચ્છતા હોય એવા લોકોની અરજી સ્વીકારવાનું રહેશે. અને અરજદારે એમાં એ દર્શાવવાનું રહેશે કે પોતે કયા કારણોસર મૃત્યુ પામવા માંગે છે એટલે કે પૃથ્વી ઉપરથી ઉઘલી જવા માંગે છે. નિયમ અનુસાર માર્ગદર્શિકા પ્રમાણે ઈશ્વરના માણસો જ ઓન ધ સ્પોટ આ અરજી મંજૂર કે નામંજૂર તાત્કાલિક કરી દેશે અને અરજદારને તાત્કાલિક જણાવી દેશે. તેમ છતાં કોઈ વિવાદ થશે તો તેનો સુપ્રીમ નિર્ણય આ વિભાગના સુપ્રીમો યમરાજ લેશે અને તે દરેક જીવે માન્ય રાખવાનો રહેશે. આ નવી સિસ્ટમ ગોઠવાતા યમરાજને પાડા ઉપર બેસીને ઠેર ઠેર જીવ લેવા જવાનું મજૂરીકામ છોડી દેવાનું રહેશે અને એક આરામદાયક ખુરશી ઉપર બેસીને નિરાંતે છાપાના તંત્રીઓ લેતા હોય એ રીતે નિર્ણયો લેવાના રહેશે. જે રીતે છાપાના તંત્રીનો નિર્ણય છાપાના માલિક પણ
આભાર – નિહારીકા રવિયા નકારી શકતા નથી એ રીતે ઈશ્વર પણ મૃત્યુના અરજદાર અંગે લીધેલો નિર્ણય નકારી શકશે નહીં. મૃત્યુ અંગેની અરજીમાં અરજદારે શું શું દર્શાવવાનું રહેશે?
મરવા માંગતા અરજદારે ખાસ તો પોતે શા માટે મરવા માંગે છે એ દર્શાવવાનું રહેશે. અરજદાર પોતે પોતાના જ મૃત્યુની ઈચ્છા દર્શાવી શકશે, કોઈ બીજાના મૃત્યુની ઈચ્છા દર્શાવી શકશે નહીં. (કારણ કે ઈશ્વરને પણ આ દુનિયા ચલાવવાની છે, યાર) મૃત્યુ એટલે કે પોતાનું મૃત્યુ ઈચ્છનાર આત્માને પોતે મૃત્યુ પછી બીજો જન્મ લેવા માંગે છે કે પછી આત્મા તરીકે ડિફ્યુઝ અથવા ડીઝોલ્વ થઈ જવા માંગે છે તે પણ જણાવવાનું રહેશે. બીજો જન્મ અરજદારે માંગ્યા પ્રમાણે આપવાનો થાય છે કે પછી તેને અન્ય વિકલ્પો સૂચવવાના છે તે અંગેનો આખરી નિર્ણય બ્રહ્માજી લેશે. જો આત્માને માંગ્યા પ્રમાણે જન્મ આપી શકાય તેમ નહીં હોય તો તેને અનુરૂપ હોય તેવા ત્રણ વિકલ્પો આપવામાં આવશે. ત્રણમાંથી એક વિકલ્પ મૃત્યુ ઇચ્છનાર આત્માએ પોતે જ પસંદ કરવાનો રહેશે. જે અરજદારે ફોર્મમાં ત્રણમાંથી એકેય વિકલ્પ પસંદ કર્યો નહીં હોય તેને ડીફ્યુઝ કરી દેવામાં આવશે એટલે કે તેનું આત્મા તરીકે વિસર્જન કરી દેવાશે.
બોલો, આ લેખની શરૂઆતમાં હું ઈશ્વરને સલાહ આપી રહ્યો છું એવું મને લાગતું હતું, અને એમ જ હતું પણ ઉપરનો છેલ્લો ફકરો વાંચો. હું એવી રીતે ધબધબાટી બોલાવી રહ્યો છું કે જાણે ઈશ્વરે મને આ કામ સોંપી જ દીધું હોય. બોલો, હાથમાં નથી આપ્યું તોય ખંભે લઈ લીધું છે. આના ઉપરથી આપ સમજી શકો છો કે હું કેટલો મહાન સેવાભાવી હોઈશ ! ખરેખર, હું મારી મહાનતાથી બહુ જ પ્રભાવિત છું. આ આર્ટીકલ વાંચ્યા પછી થોડા જ દિવસમાં તમને ખબર પડે કે હું દેવ થઈ ગયો છું તો સમજવું કે ઈશ્વરે મારા આ આર્ટિકલથી પ્રભાવિત થઈને આ પ્રકારની સલાહો મારી પાસેથી પ્રાપ્ત કરવા માટે મને વહેલાસર પોતાની પાસે બોલાવી લીધો છે અને જો હું પૃથ્વી ઉપર લાંબા સમય સુધી જીવતો રહું તો સમજવું કે મારાથી અને મારી આવી સલાહોથી તો ઈશ્વર પણ બીવે છે. naranbaraiya277@gmail.com