જે રીતે ઈશ્વરને સર્જક કહેવામાં આવે છે એ રીતે કવિઓ અને લેખકોને પણ સર્જક કહેવામાં આવે છે. પણ હવે ઈશ્વરો, કવિઓ, લેખકોની સર્જક તરીકેની મોનોપોલીઓ તૂટી ગઈ છે અને જે કંઈ બાકી છે તે તૂટી રહી છે. ઈશ્વરો અને કવિઓ, લેખકોની જેમ હવે તમે પણ તમારી દુનિયા સર્જી શકશો.
ઈશ્વરે જે કંઈ સર્જી દીધું છે તેને સામાન્ય રીતે આપણે માયા કહીએ છીએ. બ્રહ્મ સત્ય જગત મીથ્યા. આ મિથ્યા એટલે કે માયા. હવે આ માયામાં પણ બીજી એક માયાવી માયા પેદા થઈ છે અને તેનું નામ એઆઈ ટેકનોલોજી છે. માનવીએ પોતે જ સર્જેલી આ માયામાં માનવી હવે ભૂલો પડી જશે અને જો કાળજી નહીં રાખે તો પોતાની જ માયામાં ભટકી જશે. ભટકી જશે એ તો ઠીક છે પણ અનેકને ભટકાવી પણ દેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં હવે કોઈપણના ફોટા કોઈપણની સાથે હોઈ શકે છે અને કોઈપણ સ્થિતિમાં હોઈ શકે છે. માત્ર ફોટા જ નહીં ગમે તેના ગમે તે પ્રકારના વીડિયો પણ હોઈ શકે છે અને એ પણ એકદમ સાચુકલા લાગે તેવા વીડિયો બની શકે છે. ફક્ત એક વ્યક્તિનો ફોટો જોઈએ અને તે ફોટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ગમે તે પ્રકારે હાલતો-ચાલતો અને જે કંઈ કમાન્ડ આપો તે કાર્ય કરતો દેખાડી શકાય છે.
હજી તેનાથી આગળ…
કોઈપણ વ્યક્તિના અવાજનો માત્ર એક નમૂનો જોઈએ. બસ એક કણ જોઈએ અવાજનો. બસ એના ઉપરથી આર્ટિફિશિયલ એ વ્યક્તિના નામનો ઉપયોગ કરીને તેની પાસે ગમે તે વાત ફોનમાં વીડિયોમાં કે કોઈપણ ધ્વનિ મુદ્રિત માધ્યમમાં કરાવી શકાય શકે.
આ ખતરનાક માયાવી માયા ઘણાને રાજી રાજી કરી ગઈ છે. હવે તમારે ફિલ્મનો હીરો બનવું હોય તો એક્ટિંગ આવડવી કે કરવી જરૂરી નથી. ફક્ત તમારા બે પાંચ ફોટા જોઈએ અને બે પાંચ વીડિયો જોઈએ તેના પરથી તમને ચમકાવતી આખે આખી ફિલ્મ બની શકે. તમારો જ અવાજ તમારી જ એક્ટિંગ. એક સારી સ્ક્રીપ્ટ તૈયાર કરો અને બની જાઓ તમારી ફિલ્મના હીરો. આમ તો અત્યારે આમાં કોપીરાઇટના ઇશ્યુ આવી શકે. બાકી તમે અમિતાભ બચ્ચન કે રાજકુમારને લઈને પણ એને પૂછ્યા વગર એક ફિલ્મ બનાવી શકો. રાજકુમાર કે રાજ કપૂર અત્યારે હયાત નથી પરંતુ એમને લઈને તમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા એકદમ નવી સ્ક્રીપ્ટ સાથે નવી ફિલ્મ બનાવી શકો છો.
તાજેતરનો જ દાખલો લઈ લો. સૈયારા ફિલ્મનું “સૈયારા તુ તો બદલા નહી હૈ મોસમ જરા સા રુઠા હુઆ હૈ” ગીત ફહિમ અબ્દુલ્લાએ ગાયું છે અને તેને તનિષ્ક બાગચી, ફહિમ અબ્દુલ્લા પોતે અને અર્સલાન નીઝામીએ સંગીતબદ્ધ કર્યું છે. પણ કેટલાક લોકોને થયું કે આ ગીત કિશોરકુમાર હોય તો કઈ રીતે ગાય? એ લોકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો અને “સૈયારા”ના નવા ગીતના સંગીતના સ્થાને ૧૯૮૦ના દાયકાનો સંગીતનો નમૂનો લઈ મૂકી દીધો અને કિશોરકુમારના અવાજના નમુનાને લઈને તેમાં મૂકીને એ ગીત એવી રીતે બનાવ્યું કે તે સાંભળીને કોઈ એમ કહી જ ન શકે કે આ ગીત કિશોરકુમારે નથી ગાયું. તમને એમ લાગે કે આ સંગીત આર.ડી. બર્મનનું છે. બસ સૈયારાના ઓરીજનલ ગીત કરતા આ ગીત Youtube ઉપર ધૂમ મચાવી ગયું અને ત્યાર પછી બીજાં ગીતો પણ આ રીતે બન્યાં.
આ માત્ર દાખલો છે, એઆઈના ઉપયોગથી ગમે તેનું ગમે તે થઈ શકે. વાસ્તવમાં તમે તમારી મનપસંદ વ્યક્તિ સાથે કંઈ કરી શકો કે ન કરી શકો પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તમે મેડોના કે માધુરી દીક્ષિત સાથે પણ પ્રેમાલાપ કરી શકો. એ તો ઠીક છે પણ તમને ખબર વગર તમારા દુશ્મનો તમે તમારી ટ સાથે ફરતા હો તેવા ફોટા પણ બનાવી શકે અને તેવા વીડિયો પણ બનાવી શકે અને તેમાં અદ્દલોઅદ્દલ તમારો પોતાનો અવાજ પણ હોઈ શકે. હવે આ વીડિયો કે આ ઓડિયો તમારી વર્તમાન પત્નીને બતાવવામાં આવે તો સુમધુર ડખાઓ થઈ શકે અથવા તો ખતરનાક ડખાઓ પણ થઈ શકે અને વાત છૂટાછેડા સુધી પણ પહોંચી શકે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના એ વિડીયો અદાલતમાં પણ પુરાવા તરીકે રજૂ થઈ શકે. એની તપાસ કરતાં કરતાં પોલીસનો આઈટી સેલ પણ ગડથોલાં ખાઈ શકે અને કોર્ટ પોતે પણ આ માયાવી માયાની માયાજાળમાં ભ્રમિત થઈ શકે. કારણ કે કંઈ ખબર પડવી જોઈએ ને? હવે એવું હાઇ ઇન્ટેલિજન્ટ એઆઈ આવી ગયું છે કે જે વીડિયો કે ઓડિયો તૈયાર થયો છે તે ઓરીજનલ છે કે ફેબ્રિકેટેડ છે તેની ખબર જ ના પડે. આનું કંઈક કરવું પડશે નહીંતર માનવી પોતાની જ માયાજાળમાં ફસાઈ જશે. અનેક છૂટાછેડાઓ થઈ જશે અનેક ખૂનાખૂનીઓ થઈ જશે. બીજું ઘણું બધું થઈ જશે. કોર્ટની તો ખાલી વાત થાય છે, બાકી કોર્ટમાં કે પોલીસમાં ગયા વગર જ આ પ્રકારના ખોટુકલા વીડિયોને સાચુકલા માનીને પોતાની રીતે ધુવાંફુવાં થઈને અમુક જાતના નિર્ણયો લેવાની ટેવવાળા શખ્સો કેટલી હદે ન કરવાનું કરી નાખશે?
વાત કરો માં, વાત કરો માં, વાત કરો માં…
એઆઈ દ્વારા જેટલું પોઝિટિવ વિચારી શકાય તેમ છે એટલું જ નેગેટિવ પણ શક્ય છે. કોઈએ એવી આગાહી કરી છે કે એક દિવસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ મનુષ્ય જાતિનો ખાતમો કરી નાખશે. આ પણ શક્ય છે. અને એ પણ શક્ય છે કે એઆઈના કારણે મનુષ્ય પૃથ્વીને સ્વર્ગ બનાવી શકે અને બ્રહ્માંડમાં પોતાના પંજાઓ ફેલાવી શકે.









































