પરિસ્થિતિઓ અને સંયોગો તો કાયમ બદલતા રહેવાના છે, માણસ ન બદલાવો જોઈએ. એ એક આદર્શ સ્થિતિ છે. પરંતુ સંયોગો બદલાતા લોકોના મુખારવિંદ બદલાઈ જાય છે. આ સૌનો અનુભવ છે. જૂનાગઢમાં નરસિંહ મહેતા કંઈ ખરીદી કરવા બજારમાં નીકળે ત્યારે વેપારીઓ પોતાની દુકાનના દ્વાર બંધ કરી દેતા હતા એવી કથા છે. સમાજમાં હવે એવું તો થતું નથી પરંતુ જેના પણ આર્થિક સંજોગો બદલાઈ જાય છે એનાથી સમાજ તબક્કાવાર વિમુખ થઈ જાય છે. કોણ જાણે કેમ પણ સમાજ હવે શ્રીમંતોની પ્રદક્ષિણા કરવાની ટેવવાળો થઈ ગયો છે. કોઇનામાં ગમે તેટલા ગુણોનો ભંડાર હોય તેને ધ્યાનમાં લીધા વિના માત્ર તેના ખિસ્સાને જ ત્રાજવે તોલવામાં આવે છે. જેનું ખિસ્સું ભારે એનું પલ્લુ બધામાં ભારે. આ બદલાયેલા સમાજને સમજવામાં જેઓ ગોથું ખાઈ જાય છે તેઓ જીવનના સર્વ ક્ષેત્રોમાં પાછા પડતા જોવા મળે છે. કદાચ સમજણ હોય તોય એને આનુષંગિક પ્રવૃત્તિ કરવામાં ન આવે તો માત્ર સમજણ કંઈ કામમાં આવતી નથી. ખાલી સમજણ બહુ બહુ તો સોશ્યલ મીડિયામાં ટિકટિક કરવામાં કામ આવે, એનાથી ઘરમાં અજવાળાં ન થાય. અજવાળાં માટે કામ કરવું પડે અને દિવસરાત જોયા વિના તૂટતા રહેવું પડે. સૌરાષ્ટ્રની વાત તોય ઘણી અલગ છે. ઠેર ઠેર એવા દૃષ્ટાન્તો જોવા મળે છે કે જોઈને એમ ખાતરી થાય કે માણસાઈ હજુ મરી પરવારી નથી. અજાણ્યાના આંસુ લૂછવા એ સૌરાષ્ટ્રની પ્રજાનો આદિકાળનો સ્વભાવ છે. ધંધુકાથી આગળ આવો એટલે હવા બદલાઈ જાય છે. થોડા દિવસો પહેલા બાવળા પાસે બાઈક અકસ્માતમાં એક દંપતી મધરાતે ઘવાયું હતું તો સવાર સુધી એણે હાઈવે પર હેરાન થવું પડયું. છેક સવારે એમને લિફ્‌ટ મળી અને એય સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનમાં ! સુરતનો અનુભવ છે જ કે ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓને બચવામાં મદદ કરવાને બદલે મોબાઈલ ફોનમાં શુટિંગ કરનારાઓની સંખ્યા બહુ મોટી હતી. સોશ્યલ મીડિયામાં પછીથી એ વાત વારંવાર કહેવામાં આવી કે જેટલા લોકો ફોનના કેમેરાથી શુટિંગ કરતા હતા એ બધાય જો બચાવ કામગીરીમાં લાગી ગયા હોત તો વધુ જિંદગીઓને બચાવી લેવાઈ હોત. માત્ર સૌરાષ્ટ્રમાં જ નહિ, દેશના ઘણા પ્રદેશો એવા છે જ્યાં ઉચ્ચ કોટિના માનવીય સંસ્કારો જળવાયા છે. જેમણે આપણા ગીરના નેસડાઓની મુલાકાત લીધી છે એમને ખબર છે કે એ લોકો માંડ બે પાંદડે હોય કે ન હોય પરંતુ કોઈ અતિથિ આવે એટલે એમની આંખોમાંથી અમૃતધારા વરસવા લાગે. ક્યારેક તો એમ લાગે કે જાણે એમને ખબર જ નથી કે દુનિયા ક્યાં પહોંચી છે. દક્ષિણ ભારતના ગ્રામ વિસ્તારોમાં આજે પણ ભારતીય સંસ્કૃતિની અસલ ઝલક જોવા મળે છે. માણસાઈના દીવા દેશમાં સૌથી વધુ ઝળહળતા હોય તો એ દૂરના ઉત્તર ભારતમાં છે. હિમાલયના પ્રવાસીઓમાં એક મોટો વર્ગ એવો છે જે માત્ર એ નગાધિરાજના દર્શને રખડવા નીકળે છે. દુનિયાભરમાંથી દર વરસે હજારો એવા પ્રવાસી અહીં આવે છે જેઓ સાવ અનિશ્ચિત રીતે એ પર્વતમાળાઓમાં રખડવાનો આનંદ લે છે. તેઓ અલગારી હોય છે. હિમાલયમાં તેઓ જ્યાં પણ જાય છે ત્યાં બધા તેમને મીઠો આવકાર આપે છે. તો પણ દુનિયા બદલાઈ ગઈ છે. એક જમાનામાં વર જ જોવાતો હતો, ઘર જોવાતું ન હતું. ત્યારે એમ માનવામાં આવતું હતું કે વર સારો હોય તો ઘર તો આપોઆપ સારું થઈ જવાનું હોય. પણ હવે એવું નથી. વર અને કન્યા બન્ને પક્ષના લોકો સંભવિત વેવાઇવેલાની આર્થિક ક્ષમતાઓ જુએ છે. આજે કેટલાય સજ્જન ઉમેદવારો એની આર્થિક નબળાઈને કારણે યોગ્ય જીવનસાથી મેળવી શકતા નથી. સંસારના સર્વ નિર્ણયો આખરે આર્થિક આધાર પાસે આવીને અટકે છે. આપણા દેશમાં માત્ર માભો પાડવા માટે બે વરસ વિદેશની સહેલી યુનિવર્સિટીમાં જઈને આસાન ડિગ્રી લઈ આવનારા શ્રીમંતપુત્રોની મોટી ફોઝ છે. એમને એ વિદેશયાત્રાઓ માત્ર પાઘડીમાં છોગું લગાવવા પૂરતી જ કામ આવે છે. એની સામે એવા લાખો વિદ્યાર્થીઓ છે કે જેઓ પ્રતિભા સંપન્ન હોવા છતાં એમને એરપોર્ટના દર્શન કરવાનો લ્હાવો પણ આ ભવે તો મળવાનો નથી. જિંદગીમાં પૈસાની પ્રતિષ્ઠા આપણે સહેજ વધારે પડતી કરી છે. અને જેમણે પૈસાની ઉપેક્ષા કરી છે તેઓ ફેંકાઈ ગયા છે. ભારતમાં લક્ષ્મીની પહેલેથી જ ઊંચા આસનની ગરિમા છે. સવારે જાગીને બોલવાના પ્રથમ શ્લોકમાં પ્રથમ જ કરાગ્રે વસતે લક્ષ્મી… આવે છે.
સંસ્કૃતમાં કહેવત છે કે સર્વે ગુણાઃ કાન્ચનમ્‌ આશ્રિતઃ એટલે કે તમામ સદગુણો સુવર્ણને આશ્રયે રહે છે. એમાં પ્રાચીન ઋષિઓ ટકોર એ કરે છે કે જેમની પાસે અધિક સુવર્ણ ન હોય ત્યાં સદગુણો ટકતા નથી. આમ તો જલદી ગળે ન ઉતરે એવી આ વાત છે. તો શું અધિક ધન અને સંપત્તિ ન હોય તો સદગુણો આપણામાં સ્થિર થતા નથી ? શું જેઓ રોજનું સીધુંસામાન લાવીને રોજ રાંધે છે એમનામાં ગુણવૈભવ નથી હોતા ? હોય છે જ પરંતુ તેમની મહ¥વાકાંક્ષાઓ બહુ
મર્યાદિત હોય છે. ઋષિઓએ કહ્યું કે બધા ગુણસંપુટ સોનાની પાછળ છુપાયેલા છે તે એમને માટેનો બોધ છે જેઓ જિંદગીમાં પોતાના વ્યવસાય, ઉદ્યોગ અને સમાજજીવનમાં ઊંચા ગિરિશિખરોના લક્ષ્યાંક સાથે ચાલે છે. જેમના નિશાન ઊંચા છે એમણે તો પૈસાની પૂજા કર્યા વિના ચાલે એમ જ નથી. પૈસો પરમેશ્વર નથી પરંતુ પ્રવર્તમાન યુગમાં બધે દેખાય છે તો એવું જ. ખરેખર પૈસાને પરમેશ્વરની હદે ઉપાસવાની જરૂર નથી. પરંતુ પૈસાને સન્માનથી જોવાની જરૂર છે. સન્માન એટલે શું ? જેઓ વ્યસનમાં પૈસા વેડફતા નથી તેઓ પૈસાને સન્માન આપે છે. સન્માનના બીજા પણ અભિગમો છે. જેમ કે લક્ષ્મી હિસાબને વશ છે. બેહિસાબી નાણાં ટકતા નથી. એ ભલે એક નંબરના હોય કે બે નંબરના પણ એનો પાકો હિસાબ જેઓ રાખતા નથી એમની લક્ષ્મી અન્યત્ર ગતિ કરી જાય છે. લક્ષ્મીનો સ્વભાવ છુપાઈને રહેવાનો છે અને મહદંશે લોકો એને છુપાયેલી જ રાખવા ચાહતા હોય છે. લક્ષ્મીના ઘણા પ્રકાર છે જેમ કે પરિશ્રમલક્ષ્મી, વ્યાપારલક્ષ્મી, રાજલક્ષ્મી, ભાગ્યલક્ષ્મી, વારસલક્ષ્મી, કૃષિલક્ષ્મી અને શ્રીલક્ષ્મી. જેમણે સદાય પોતાની લક્ષ્મીને પરોપકારમાં પ્રયોજી છે એ લક્ષ્મી વધુ ને વધુ સ્થિર હોય છે. જિંદગીમાં પૈસાનું વજન ગમે તેટલું વધે પણ હૃદયના સંવેદનો ઘટવા ન જોઈએ એ આપડી સંસ્કૃતિનો આદર્શ છે. એની સામે એ પણ હકીકત છે કે જેઓ પૈસાનો મહિમા જાણવા છતાં પ્રમાદે પાણીમાં બેસી રહ્યા છે એમના પર અંધકાર ઉતરી આવે છે. હાથપગ ચાલે ત્યાં સુધી કઠિયારો પણ જંગલમાં ભારો કે નાનકડી ભારી લેવા જાય છે. હાથ કામગરા હોય એની પાસે સ્વલક્ષ્મી હોય છે. સ્વઉપાર્જિત લક્ષ્મીને અગ્નિપુરાણમાં સર્વોત્તમ અને આરાધ્ય માનવામાં આવી છે. યુગ બદલાયો તો ભલે, પૈસો જ આ સંસારમાં સર્વસ્વ નથી. પરંતુ પૈસાની એક જ ઘટ આગળ જતાં બીજી અસંખ્ય ઘટનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. ડહાપણ એમાં છે કે પરિશ્રમને જ પરમેશ્વર માનવા, તો લક્ષ્મી આપોઆપ ઢળતા ઢાળે આવી રહેશે.