નદીતટની સંસ્કૃતિ પાંગરી ત્યારથી માણસ જૂથમાં રહેતો આવ્યો છે. અસ્તિત્વ ટકાવવા અને એકબીજા પર વર્ચસ્વ સાબિત કરવા એકલા રહેતા માણસે ટોળામાં રહેવાનું શરુ કર્યું. અસુરક્ષાની ભાવનાએ તેને જૂથ બનાવવાની ફરજ પાડી. કાળક્રમે એ જૂથોના સ્વરૂપ અને કદ બદલતા રહ્યા છે. નાના ટોળાથી લઈને મહાન સામ્રાજ્યો સુધી તેનો ઈતિહાસ વિસ્તરેલ પડ્યો છે. આજના સમયમાં પણ સમાજના નાના એકમોથી લઈને વિશ્વના દેશોના મોટા સંગઠનો પણ સમયની માંગ પ્રમાણેના સ્વરૂપો છે. ભારત જેવા દેશોમાં સામાજિક અસંતુલનના પરિણામે જ્ઞાતિ જાતિ સંગઠનો અસ્તિત્વમાં આવ્યા અને નવા બનતા જ રહે છે. ભારતમાં જ્ઞાતિ જાતિ આધારિત સામાજિક માળખું હોય, આમ થવું સ્વાભાવિક છે. જયારે કોઈ સંઘર્ષ થાય ત્યારે બંને બાજુએ તાકાત કે વર્ચસ્વ વધારવાના પ્રયત્નો થાય છે. બે વિશ્વયુદ્ધોએ દુનિયાને બોધપાઠ આપ્યો કે હવે યુધ્ધો અટકાવવા હશે કે યુદ્ધમાં વિજયી થવું હશે તો સમાન વિચારો કે સંસ્કૃતિ ધરાવતા દેશોએ સાથે આવવું પડશે. હવે સંઘર્ષ કોઈ બે દેશ કે સરહદ પુરતો સીમિત નહિ રહે એ બંને વિશ્વયુદ્ધમાં સાબિત થઇ ચુક્યું છે. જેના કારણે યુદ્ધ દરમિયાન અને યુદ્ધ બાદ વિશ્વમાં ઘણા સંગઠનો અસ્તિત્વમાં આવ્યા જેનું કદ આજે નોંધપાત્ર છે. નાટો, બ્રિકસ, જી ૨૦, જી ૭, ત્રીજી દુનિયાના દેશો, સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુરોપિયન યુનિયન, ઓપેક, કવાડ, આફ્રિકન યુનિયન, આસિયાન અને અકુસ જેવા અનેક જૂથો એકબીજાને મદદ કરવા અને એકબીજાનું રક્ષણ કરવા બની ગયા છે. આવા જૂથોના ઉદ્દેશો એકતા પ્રાપ્ત કરવાના અને બીજા અન્ય સંગઠનો જો વિરુદ્ધ હોય તો પ્રતિકાર કરવાના બની રહે છે. જુથમાં અલગ અલગ પ્રકારના અને ક્ષમતા વાળા સભ્ય દેશો હોવાથી સંગઠનની અંદર પર વર્ચસ્વ જમાવવાની હરીફાઈ ચાલતી હોય છે. જેમકે કોઈ સંગઠનમાં સમોવડિયા બે કે ત્રણ દેશો હોય તો એમની ઈચ્છા કે વલણ મુજબ નીતિ નિર્ધારણ થાય એવું ઘણી વખત બને છે. આ બધું સગવડ આધારિત હોય છે. જેમકે પાકિસ્તાન કોઈ જુથમાં સામેલ છે આતંકવાદ વિશે એ જૂથની નીતિ શું રહેશે એ શંકાસ્પદ બાબત છે. અને કોઈ જૂથની નીતિઓ આતંકવાદ સામે ખુબ સખત બતાવવામાં આવી રહી હોય અને પાકિસ્તાન તેના સભ્ય દેશોમાંનો એક દેશ હોય તો એ નીતિઓ કઈ રીતે અમલી બનશે એ કોઈ ચર્ચાની વિષય રહેતો નથી. જૂથમાં એવા પણ હોય છે જે જૂથના અન્ય નાનાઓની જવાબદારી ઉપાડી લે છે. ઓથ બની રહે છે. ઘણા એવા હોય છે જે વારે વારે જૂથ બદલતા રહે છે. એ મીર્ઝાપૂરી લોટા જેવા હોય છે જેને તળિયું હોતું નથી. રાજકારણમાં એમને પાર્ટી બદલું કહે છે. આવા દેશો કોઈ સંગઠનમાં બીજા મજબૂત દેશોની ઓથ મેળવવા જ જોડતા હોય છે, તેનું યોગદાન કશું હોતું નથી. આવું એક સંગઠન કે જોડાણ આજે ચર્ચામાં છે અને એ છે અમેરિકા અને પાકિસ્તાનનું જોડાણ. આ જોડાણ અકુદરતી અને સગવડીયું છે. તાજેતરમાં ભારતમાં એક ચર્ચા પાકિસ્તાન અને અમેરિકાના આ સબંધો અંગે પણ ચાલી રહી છે. સમયના થોડા અંતરાલમાં અમેરિકા અને પાકિસ્તાનના શીર્ષસ્થ નેતૃત્વની ઘણી બધી મુલાકાતો થઇ છે. ભારતમાં એક વર્ગ, ખાસ કરીને વિપક્ષ, એવું માને છે કે આ ભારતની વિદેશનીતિની અસફળતા છે. અમેરિકા જે આજદિન સુધી ભારતની સાથે હતું એ હવે ખુલ્લા વૈશ્વિક મંચો પર પાકિસ્તાનનું અભિવાદન કરી રહ્યું છે. ભારત સાથે બહોળા પ્રમાણમાં વ્યાપારિક સંબંધો હોવા છતાં, ભારત પાકિસ્તાનના ખાટા સંબંધોથી અવગત હોવા છતાં બધું અવગણીને જો અમેરિકા પાકિસ્તાનને પ્રોત્સાહિત કરતું હોય, તો ભારતે અન્યથા વિચારવું પડે. ભારતની પણ એ નીતિ રહી છે કે જે પાકિસ્તાનનું સમર્થન કે મદદ કરે છે તેને લગભગ લગભગ દુશ્મનની કેટેગરીમાં મૂકીને જોવામાં આવે છે. વ્હાઈટ હાઉસથી મચ્છી માર્કેટની જેમ ભારત પાકિસ્તાન સંબંધોને અનુલક્ષીને નિવેદનો બહાર પડી રહ્યા છે અને બદલી રહ્યા છે. અમેરિકાની વિદેશનીતિ લાંબો સમય સ્થિર રહી નથી. જીઓ પોલીટીક્સમાં અમેરિકા આજદિન સુધી એક ગંદી રાજનીતિ કરતુ આવ્યું છે. વિશ્વના ઘણા દેશો અમેરિકાની આ કનિષ્ઠ રાજનીતિનો ભોગ બન્યા છે, હવે પાકિસ્તાનનો વારો છે. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અમેરિકાનો પાકિસ્તાનને સપોર્ટ પણ ભારત આજદિન સુધી ભૂલ્યું નથી. ભારતમાં વિપક્ષની પૂર્ણકાલીન રાજનીતિમાં અમેરિકાના પ્રેસિડેન્ટના નિવેદનો આધારિત રાજનીતિનો હિસ્સો મોટો છે. એટલે આજે અમેરિકાના પ્રેસિડેન્ટના નિવેદનો ઉછાળીને ભારતની વિદેશનીતિને ટાર્ગેટ બનાવવાની એકપણ તક વિપક્ષ છોડી નથી રહ્યો. વિપક્ષની એ મજબૂરી છે. દેશમાં એ ઉઠાવી શકે એવા મુદ્દાઓ અને એ મુદ્દાઓ લઈને સરકારને ભીડવી શકે તેવા નેતાઓનો દુષ્કાળ છે. જે સક્ષમ નેતાઓ છે તેને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. આ બેના અભાવે તેના મુદ્દા, અસ્થિર નિવેદનો આવે છે. વિપક્ષ સિવાય બધા જ જાણે છે કે આ ભારતને ઘેરવાના એકમાત્ર મુદ્દા માટે ઉભું થયેલું બે દેશો વચ્ચેનું અકુદરતી સંગઠન છે. નહીતર અમેરિકા પર સૌથી ઘાતક અને મોટા આતંકી હુમલાના સુત્રધારને આશરે એક દશકો આશ્રય આપનાર દેશ પાકિસ્તાન સાથે આવું જોડાણ કોઈ ઘેલો આગેવાન પણ ન કરે. એ પણ સ્પષ્ટ છે કે ભારતનો મુકાબલો કરવા પાકિસ્તાન કોઈપણ દેશ સાથે કોઈપણ પ્રકારની સમજૂતીઓ સાથે જોડાણ કરી શકે છે. એમાં પાકિસ્તાને તો કશું ગુમાવવાનું નથી. ક્વિક નોટ — અમેરિકાના દુશ્મન બનવું ખતરનાક છે, પણ અમેરિકાના દોસ્ત બનવું તો ઘાતક છે. – ભૂતપૂર્વ અમેરિકન વિદેશમંત્રી અને રાજદ્વારી હેન્રી કિસિંજરનું કથિત વિધાન.









































