દરવાજાનો આગળિયો ખખડયો એટલે વિચારોમાં ઘેરાઇને બેઠેલા આશુતોષે બારીમાંથી બહાર નજર નાખી પણ કોઇ દેખાયુ નહીં. એને વિચાર આવ્યો કે અત્યારે ખરા મધ્યાન્હે, બપોરે ત્રણ વાગ્યે કોણ હોય ? કદાચ – કુરીયરવાળો હોય અને કાં બાબુદાદા ટપાલી…! એણે ઊભા થઇને ‘કોણ ?’ એવું પુછતાની સાથે જ દરવાજા ખોલ્યો, પણ જેવી એની નજર દરવાજા પર પડી કે, દરવાજામાં ઊભેલી આગંતૂક વ્યક્તિને જાઈને ચોંકી જ ઉઠયો. થોડું ધ્રુજી પણ ગયો કેમ કે એ વ્યક્તિ બીજું કોઇ નહીં પણ બાપુજી હતા. જે બાપે એકવાર તેને કહી દીધું હતું કે, હુ તારો બાપ છું અને તું મારો દીકરો છે એ વાત જ હવે ભૂલી જજે. આજથી એ પણ ભૂલી જજે કે તારી અને મારી વચ્ચે લોહીનો સંબંધ છે. આજથી હું સમજી લઉ છું કે એ લોહી નથી પણ ફક્ત લાલ પાણી છે જે ખૂન, મારી આબરૂના ખોરડા ઉપર પાણી ફેરવી દે એ ખૂન, ખૂન નહીં પણ લાલ પાણી છે પાણી ! અને એ પણ ગંદા ગોબરા ખાબોચિયાનું પાણી ! જા, હવે તારૂં મોઢુ કાળુ કર અને હાલતો થા ! અને હા યાદ રાખજે કે હું જીવતો હોઉ ત્યાં સુધી મને મોઢું બતાવવાની કોશિષ પણ નહીં કરતો અને કદાચ મરી જાઉ ને તો પણ. તે ફકત, તારા બાપ પ્રભાશંકર જાષીની જ નહીં, પણ મારી સાતમી પેઢીએ રહેલા પૂર્વજ ઓધવજી માધવજી જાષીની આબરૂ ઉપરેય બટ્ટો લગાડયો છે બટ્ટો !”
અને ‘એ’ જ આજ સામે ચાલીને પોતાના ઘરના દરવાજે ઊભા હતા. એ દોડી ગયો અને બાપુજી… કહેતો ’ક ને પ્રભાશંકર જાષીને બાથ ભરી ગયો. આંખમાંથી ટપ્‌ ટપ્‌ કરતા આંસુ નીકળી ગયા. બાપ દીકરાનું એ મિલન કેટલીક સેકંડ સુધી ચાલ્યું પણ પછી પ્રભાશંકરને જ બોલવું પડયું: “બસ બેટા બસ” ત્યારે આશુતોષ છૂટ્ટો પડયો. પણ તોય પાછો આંખ લૂછતો લૂછતો બાથ ભરી જતો બોલ્યો: “બાપુજી તમે ? અને એ પણ મારા ઘરે ?.. બાપુજી, હું હજી માની જ નથી શકતો કે આ તમે જ છો કે બીજુ કોઈ ?”
“લે…! ગાંડીયો જ રહ્યો હજી…” પ્રભાશંકરે તેને અળગો કરતા પોતાના આગવા મિજાજમાં કહ્યું: “એમ કાંઇ થોડો તારો બાપ છું તે મરી જવાનો હતો ? પણ આ તો તે…”
“એ મારી ભૂલ હશે કદાચ…! હું કયાં ના પાડું છું બાપુજી ! મેં એ ભૂલ કરી હતી પણ તેનું આટલું બધુ દુઃખ તમને લાગશે એ મને ખબર નહોતી. સાચુ કહુ છું હોં કે બાપુજી…” વળી પાછો તેનો સ્વર તરડાયો ઃ “આજકાલ કરતા આઠ આઠ વરસ વીતી ગયા પણ એકેય દિવસ એવો નથી ગયો કે જે દિવસે તમે મને યાદ ન આવ્યા હોવ…! અને પછી મારા મગજમાં વળી વળીને તમારા મોઢામાંથી નીકળેલ પેલા સણસણતા શબ્દો મને નિરાંતે ઉઘવા પણ દેતા નહોતા. પલ પલ એકની એક પીડા મારૂં કાળજુ કાપતી રહી છે કે મારા પગલાથી બાપુજીને બહુ દુઃખ લાગી ગયું છે પણ મારાથી જે થવાકાળ હતું એ થઇ ગયું હતું.. !”
“રાખ, રાખ, હવે…ચાલ્યા કરે…” પ્રભાશંકરે વાતને જાણે મજાકમાં જ ઉડાવી દીધી અને, આશુતોષ હળવોફૂલ બની ગયો: “સાચ્ચે જ બાપુજી ?”
“તો હું શું ખોટું બોલતો હોઇશ ગાંડાભાઇ..!” એમણે એમના મિજાજથી જ વાત કરી ઃ “એ તો આવેશમાં આવીને બોલાઇ જવાયુ ’તુ મારાથી ય તે ! પછી તો મનેય પસ્તાવો થયો કે ભારે કરી ! તારી બા તો રહરહ આંસુએ રોતી હતી કે દીકરાએ જે કર્યું એ કર્યું, પણ તમારે એને આમ હડધૂત નહોતો કરી નાખવો…” પણ એકવાર મોઢામાંથી જે વાણી નીકળી ગઇ, એ નીકળી ગઇ ! અને શાસ્તર પણ કહે છે કે શબ્દ તો બ્રહ્મ છે એ અજર અમર છે. એનો કદી નાશ નથી થતો, પણ જવા દે..! મૂળ વાત એ કે, તું સુખી છો ને ?”
“હા… બાપુજી ! ખૂબ સુખી છું – તમારા આશીર્વાદથી ! એ બીજી જ્ઞાતિની દીકરી છે પણ સંસ્કારોમાં, રહેણી-કહેણીમાં અને મહેમાનોના આદર-સત્કારમાં મારા બાથી એક ઇંચ પણ કમ નથી. તમને લાગે જ નહીં કે…”
“હવે ઇ તો પુત્રના લક્ષણ પારણામાં, વહુના બારણામાં….” પાણી પીને ગ્લાસ પાછો આપતા પ્રભાશંકરે હસીને કહ્યુ: “ખબર છે મને… અને નો ખબર હોય તોય પલકવારમાં પડી જાય કેમ કે આંગણું ગૃહલક્ષ્મીનો જીવ કેવો છે ઇ બતાવે, અને ડામચિયો એનો વેતો બતાવે સમજ્યો ?… અરે, બોલાવને વહુને.. ક્યાં છે ? આટલામાં કયાંય બેસવા ગયા છે કે…કહે એમને કે બાપુજી આવ્યા છે ! ”
“… એ મુન્નીને તેડવા ગઇ છે. મુન્નીને અત્યારે સ્કૂલ છૂટવાનો ટાઇમ છે, હજી નવું નવું છે. પહેલા ધોરણમાં છે એટલે જવું પડે બસ.” આશુતોષે ઘડિયાળ સામે જાતાં કહયું: “બસ…હવે આવતી જ હશે !”
“સારૂ…સારૂ ત્યાં સુધી અહીં મારી પાસે બેસ અને બોલ, કે તારી નોકરી કેમ ચાલે છે ? બધુ બરાબર ગોઠવાઇ ગયું છે ને ? ”
“પહેલા તો એ કહો કે તમને મારૂં ઘર કઇ રીતે મળ્યું?”
“ગોટુ આવ્યો હતો ને ? ! ગોટુ: તારો કાકો ! એ અહીંથી પછી ત્યાં આવ્યો. અને પછી તો તારા અને વહુના વખાણ કર્યા, કાંઇ વખાણ કર્યા છે…!! બોલતો જતો હતો કે વહુ તો ચોવીસ કેરેટનો હીરો છે હીરો ! મને નહીં નહીં તો લગભગ પચાસ વાર કીધું કે, મોટાભાઇ ! એકવાર તમે ને મારા ભાભી બન્ને જઇ આવો. તમારો છોકરો અને એની વહુ…! શું વાત કરૂં મોટાભાઇ… વાત કરવા બેસુ ને તો તમારી બંડીના બટન તડ તડ કરતા તૂટવા માંડે. બાકી તમારી કરતાય એક વેંત ચડયો… હો બાકી ! મોરના ઇંડા ચિતરવા ના પડે – ” પ્રભાશંકર શ્વાસ ખાવા થોભ્યા. બંડીના ખિસ્સામાં ફાંફાફોળા કર્યા : ગોટુએ જ સરનામું આપ્યું હતું… સીધો જ તારા ઘરના દરવાજે ઊભો રહ્યો…
“તો પછી મારી બા ? તમે મારી બાને કેમ ન લાવ્યા ?” આમ એકલા એકલા જ ? ” આશુતોષે ફરિયાદના સૂરે કહ્યું.
“એલા ભાઇ,… આમાં એવું છે કે અમે બધા બૂઢિયે બૂઢિયા ચાર – પાંચ જણા ઘરવાળા સાથે નીકળ્યા છીએ હરદ્વાર જવા માટે ! હવે, ટીકિટ-બિકીટ આવી ગઇ ને, એમાં તારી બાને પગથિયું ઉતરતા પગ મરડાઇ ગયો તો પગમાં વા-તડ પડી ગઇ ને મોચ આવી ગયો. એટલે હું તો ટીકિટ કેન્સલ કરવતો હતો કે એકલા એકલા શું જવું ? પણ તારી બાએ એના સમ આપ્યા. પગે આમ તો સારૂ છે પણ હાડવૈદ્યે ઠબૂક ઠબૂક હાલવાની ના પાડી છે. એમ તો આપણા ઘરની પડખે જ મીરાબેન કરીને નવા માસ્તરાણી આવ્યા છે, તે તારી બાનું ધ્યાન રાખે છે. એટલે વાંધો નથી. પણ મારે તને કેટલાય દિ’ થી મળવુ હતું જીવ વળગ્યો હતો. આમ તો, હું ને તારી બા બેય જણા આવેત. પણ એનું અંજળ નહીં માંડયું હોય. પણ હું તો પછી તને મળ્યા વગર ન રહી શક્યો…” આટલું બોલીને જીંદગીમાં પહેલીવાર ગળગળા બન્યા જાણે એવું આશુતોષે અનુભવ્યું. પણ એ તો ક્ષણીક જ ફરી પાછા તેમના અસલી રંગમાં:… “તો થયું કે, આવડા આ જાત્રાળુની હારે અમદાવાદથી ભેગો થઇ જઇશ. એ લોકો સૌરાષ્ટ્ર મેલમાં બેસવાના હતા, તે અહીં સાડા આઠ નવે પહોંચી જાશે.
“સારૂ કર્યું ને બાપુજી, તમે આવ્યા તો…”
“લે… આવું તો ખરોને ભાઇ… અને એક વાત એ પણ છે કે જીવ્યો એટલું ક્યાં જીવવાનો ય છું હવે ? અને આમ પણ અભિમાન કયાં સારૂ છે ? મનમાં તો એક પીડા મનેય ખોતરી ખાતી હતી કે આશુતોષને મળી લઉં, સઘળો ભાર ખંખેરી નાખું… એટલે નિરાંત ! આજે હળવોફૂલ થઇ ગયો જા…
“બાપુજી…” વળી પાછો ગળગળો થઇ જતો આશુતોષ પ્રભાશંકરના પગ આગળ બેસી પડયો. પ્રભાશંકરે તેને ઊભો કરતા કહ્યું: “હવે શું છે ? હવે તો હું આવી ગયો ને ? હવે તો જા મારા મનમાંય કાંઇ નથી !”
વાત ચાલતી હતી ને ત્યાં દરવાજા ખખડયો. મુન્ની બહારથી “પપ્પાઆઆ….” કરતી દોડતી આવીને આશુતોષને ગળે વળગી ગઇ. આશુતોષે તેને વહાલ કરીને કહ્યું: “ જા તો બેટા, આપણાં ઘરે કોણ આવ્યું છે ? ”
કોઇ અપરિચિત પગરખાં જાઇને અનિતા પણ સાડીનો પલ્લુ માથે ઓઢીને હળવે પગલે અને આશંકીત હૈયે અંદર પ્રવેશી પણ સોફા ઉપર બેઠેલા પ્રભાશંકરના ચહેરાને જાઇને જ થડકી ઉઠી.
તત્ક્ષણ દોડીને અંદરના રૂમ તરફ ભાગી.
“બાપુજી આવ્યા છે… તને જ યાદ કરતા હતા…” આશુતોષનો હળવાશ ભર્યો અવાજ સાંભળીને તેને ધરપત થઇ. એ હળવે હળવે દબાતે પગલે આવીને પછી “પાય લાગુ બાપુજી…” કરતી પ્રભાશંકરને પગે લાગવા ઝૂકી. પ્રભાશંકરે એક હાથ ઊંચો કરીને “અખંડ સૌભાગ્યવતી ભવઃ… ધનવાન, પુત્રવાન ભવ… બેટા…” આશીર્વાદ આપ્યા અને પછી હસતા હસતા કહયું: “વહુ બેટા, તમારી જ રાહ જાતો હતો… કે કયારે વહુ આવે ! આ જુઓ કલાકથી બેઠો છું તોય આણે ચા નો ભાવ નથી પૂછયો. તમે આ ગાંડિયાને ચા બનાવતાય હજી સુધી નથી શીખડાવ્યું ?…. સારૂ… સારૂ… લ્યો, મૂકો, મૂકો… કયારનીય ચા પીવી છે !” (ક્રમશઃ)