(૧)મંદિરના પ્રસાદ અને ધરાવેલા ભોગ વચ્ચે શું ફરક?
રક્ષિત વોરા (ગાંધીનગર)
ભોગ ધરાવાય. પ્રસાદ લેવાય. જવાબ સાચો લાગ્યો હોય તો દક્ષિણા મોકલી દેજો.
(૨)ગરજવાનને અક્કલ કેમ ના હોય ?
જીગર આહીર (દાત્રાણા-પાટણ)
તમે તો અક્કલવાન છો. જાતે નક્કી કરી લો.
(૩)ધીરે ધીરે સે મેરી જિંદગી મેં આના.. કોઈની જિંદગીમાં ધીરે ધીરે કેમ જવાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
તમે પાછા વળો. બીજાને મોકલો.
(૪)’તારક મહેતા’ સિરિયલમાં જેઠાલાલ પાસે કેમ કોઈ વાહન નહી હોય?
દર્શન પટેલ (વડોદરા)
જેઠાલાલ હેઠા હાલવામાં માને છે.
(૫)ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ ન મળ્યું. કારણ?
રામભાઈ પટેલ (સુરત)
(નોબેલનાં)નસીબ!
(૬)દરેક પતિઓને શક્તિ વાવાઝોડાનો ખતરો કાયમ રહે ખરો?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
ના, કેમ કે પતિઓને વિશ્વાસ હોય છે કે દર વખતની જેમ આ વખતે પણ અંતિમ ઘડીએ વાવાઝોડું દરિયામાં જ નબળું પડી જવાનું છે!
(૭)સાહેબ..! વાંઢા કઈ વાતનો વિરોધ વધારે કરે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
લગ્નમાં ખોટા ખર્ચા કરવાનો!
(૮)સાહેબ.. આ દિવાળી જ નામ કેમ પડ્‌યું હશે!
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા કેનેડા)
તમને હું એકપણ રીતે દિવાળીની ફઈ લાગુ છું?
(૯)ધોખો એટલે શું?
ધોરાજીયા ચંદ્રકાન્ત એન. (સાજણટીંબા)
દિવાળી અને નવા વરસને અલગ કરી નાખનાર દિવસ!
(૧૦)લગ્ન પછી હસવાનું ભૂલી જવાય છે, ભૂલથી હસાઈ ગયું હોય તો બીક લાગે છે. આવું કેમ?
સંજય દાફડા (અમરેલી)
મને લગ્નની કંકોત્રી મોકલી હોત તો આવું ન થાત!
(૧૧)હમે તો અપનો ને લૂંટા આગળ?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
આગળ ધ્યાન રાખજો. ’અપનો’ ફરીવાર પાછો ક્યારે ત્રાટકે એ નક્કી નહીં!
(૧૨)હાલના સંજોગોમાં કરવાચોથ પર પત્નીએ પતિ માટે શું માગવું જોઈએ ?
કનુભાઈ પરમાર (દામનગર)
આવતા બે વરસ સુધી અમારા ગામમાં સાડી અને પ્લાસ્ટીકનો કોઈ સેલ ન આવે!
(૧૩)અમે નવા વર્ષના રામરામ કરવા તમારા ઘરે આવીએ તો કેવું? બપોરે જમીને નીકળી જશું.
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
આવો આવો.. પણ જતી વખતે છોકરાંના હાથમાં ’લ્યો ભાણા ભાઈ’ એમ કહી ને પાંચ સો રૂપિયા ન આપતા!
(૧૪)માનવ જન્મે ત્યારે ગળથૂથી અને મરણ વખતે ગંગાજળ પાય છે. આપનો મત આપશોજી.
બાલુભાઈ કિકાણી(લીલિયા મોટા)
મત તો ચૂંટણી વખતે આપવાનો હોય!
(૧૫)સમય અને ઘડિયાળ વચ્ચે શો સંબંધ હશે?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ)
મોટાભાગે ઘડિયાળ હોય એની પાસે સમય ન હોય. જેની પાસે સમય હોય એની પાસે ઘડિયાળ ન હોય.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..