બોટાદના હળદર ગામે ખેડૂતો પર પોલીસ દ્વારા કરવામાં આવેલ લાઠીચાર્જની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)એ અમરેલી જિલ્લામાં ‘કાળો દિવસ’ મનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અમરેલી જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયાની આગેવાનીમાં જિલ્લા ટીમ, કિસાન સેલના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ કાર્યવાહીને ‘આપ’ દ્વારા તંત્રની દમનકારી નીતિ ગણાવવામાં આવી છે. નિકુંજભાઈ સાવલિયાએ જણાવ્યું કે ‘આપ’ ક્યારેય તાનાશાહી સામે ઝુકશે નહીં અને ખેડૂતોના હક માટેની લડત વધુ જોરશોરથી લડાશે. ‘આપ’ ગુજરાત સરકારે ચેતવણી આપી છે કે ખેડૂતો પર થતો અન્યાય અને પોલીસ દમન તાત્કાલિક બંધ કરવામાં આવે, નહીં તો સમગ્ર રાજ્યમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.









































