લાઠી-બાબરા પંથકના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના સઘન પ્રયાસોથી બાબરા તાલુકાના નીલવડા અને વાંકીયા ગામને જોડતા અગત્યના માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરીથી લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગ પરથી પસાર થતા પ્રવાસીઓ અને સ્થાનિકોને મોટી રાહત મળશે. આ બંને ગામ વચ્ચેનો રોડ આસપાસના અનેક ગામો માટે મુખ્ય પરિવહન માર્ગ તરીકે ઉપયોગી છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના ધ્યાન પર આવતા, તેમણે તાત્કાલિક ધોરણે આ માર્ગને રિસર્ફેસીંગ કરવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડના કામ માટે રૂ. ૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ દ્વારા રોડનું સંપૂર્ણપણે રિસર્ફેસીંગ કરવામાં આવશે, જેનાથી માર્ગની ગુણવત્તા સુધરશે અને વાહન વ્યવહાર સરળ બનશે.





































