સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ સામે તાજેતરમાં થયેલા અપમાનજનક
કૃત્ય બદલ અમરેલી શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત તા. ૬ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ૭૧ વર્ષીય વકીલ રાકેશ કિશોર દ્વારા જાહેર કોર્ટમાં ચીફ જસ્ટિસ ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને “સનાતન કા અપમાન નહી સહેગા
હિન્દુસ્તાન” એવા સૂત્રોનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો.આ કૃત્ય કાયદાનું તેમજ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનું ગંભીર અપમાન કરનારું છે. તેમ છતાં, મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ બિલકુલ વિચલિત થયા વિના કેસની સુનાવણી ચાલુ રાખી હતી. એટલું જ નહીં, તેમણે વકીલ રાકેશ કિશોરને તેમનું જૂતું પરત કરાવ્યું અને જૂતું ફેંકનારને છોડી મૂકવા માટે પોલીસને સૂચના આપીને પોતાની મહાનતા દર્શાવી હતી.આવેદનપત્ર દ્વારા આ કૃત્યની સખ્ત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે અને જાહેર કોર્ટમાં કાયદાનું અપમાન કરનાર આ વકીલ સામે આગળની ન્યાયીક કાર્યવાહી થવા તથા તેમની સામે કાયદેસરનો ગુનો નોધવા માટે રાષ્ટ્રપતિ સમક્ષ માંગણી કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપનારાઓમાં ભરત કાતરીયા, વસંત ચાવડા, લક્ષમણભાઈ બગડા, ભુપતભાઈ મારુ, સંજયભાઈ બગડા, રમેશભાઈ સોંદરવા સહિતના અનેક આગેવાનો અને નાગરિકો હાજર રહ્યાં હતા.