બાબરા તાલુકાના પાંચાળ વિસ્તારમાં બિનકાયદેસર બેલાની ખાણો અને ખનીજચોરીની અનેક ફરિયાદો ઊઠી છે. સ્થાનિક અગ્રણીઓ અને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની મીઠી નજર હેઠળ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી હોવાનો આક્ષેપ છે. હવે, ખંભાળા ગામના દિનેશભાઈ રાઘવભાઈ ડાભીએ લાઠી પ્રાંત અધિકારીને પત્ર લખી ગેરકાયદે ચાલતી બેલાની ખાણો તાત્કાલિક બંધ કરાવવા માટે સત્તાવાર માંગણી કરી છે. વહીવટી તંત્ર આ અંગે નક્કર પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે. બાબરા પંથકમાં ખાસ કરીને કાળા પથ્થર ગ્રેનાઇટ તેમજ બેલા અને માટી ચોરી કરવા માટે અમુક લોકો ઘણા સમયથી સક્રિય થઈ જમીનનું ખોદકામ કરી રહ્યા છે. રાજ્ય સરકારની રોયલ્ટીની ચોરી કરી રાજ્યની તિજોરીને મોટું નુકસાન પહોંચડનારા વિરુદ્ધ તંત્ર આકરા પગલાં લે તેવી માંગ કરાઈ છે.










































