અમરેલીમાં સાવરકુંડલા રોડ પર ફોર વ્હીલ ઇકો ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર ચલાવી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સર્જીને કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. જેને લઈ રંગપુર ગામે રહેતા રમેશભાઇ બચુભાઇ કાછડીયા (ઉ.વ.૫૫) એ ઇકો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તેમનાં પત્ની સાથે મોટરસાયકલ લઈને રંગપુરથી સાવરકુંડલા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, સાવરકુંડલા રોડ પર પરબ મઢીની આગળ પહોંચતા, ઇકો ચાલકે પૂરઝડપે અને બેફિકરાઈથી કાર ચલાવી ફરિયાદીની મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારતાં, ફરિયાદી અને તેમનાં પત્ની નીચે પટકાયા હતા. અકસ્માતમાં પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.








































