પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા શહેરી વિકાસયાત્રાને આગળ વધારવા માટે

ગુજરાત રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે ‘વર્ષ ૨૦૨૫’ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા માટે અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, ભાવનગર ઝોનની અધ્યક્ષતામાં તા. શુક્રવારના રોજ અમરેલી જિલ્લાની સંકલન બેઠક મળી હતી. રાજ્ય સરકાર દ્વારા ‘અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે નાના મોટા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને ‘ગુજરાત જ્ર૨૦૪૭’નો રોડમેપ તૈયાર કરાયો છે. આ બેઠકમાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્યો જનકભાઈ તળાવીયા, મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા, નિવાસી અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને અમરેલી જિલ્લાની ૧૦ નગરપાલિકાઓના પદાધિકારીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. પદાધિકારીઓ અને ધારાસભ્યોએ લોક સમસ્યાઓ જેવી કે રસ્તાઓ, ગટર, પીવાના પાણી, ગંદકી અને પેન્ડિંગ દરખાસ્તોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. વિકાસકામો કયા સ્ટેજ પર છે તેની સમીક્ષા કરીને તેને સમયસર પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન અપાયું હતું.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી વિકાસ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું બજેટ
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ને “અર્બન ડેવલપમેન્ટ યર” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૧૨,૮૪૭ કરોડ, અમૃત ૨.૦ યોજના અંતર્ગત રૂ. ૧,૯૫૦ કરોડ, ૧૫મા નાણાપંચ અંતર્ગત રૂ. ૧,૩૭૬ કરોડ, આઇકોનિક રોડ વિકસાવવા રૂ. ૨૦૦ કરોડ, ઉપરાંત સ્વચ્છતા અને અન્ય બાબતો માટે કુલ રૂ. ૩૦,૩૨૫ કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા ૪૦% વધુ છે. આ મોટું બજેટ શહેરી વિકાસ યાત્રાને વધુ વેગ આપશે.