આ લખાય છે ત્યારે બે આૅક્ટોબર છે. ચોમેર એક ચર્ચા છેડાયેલી છે કે ગાંધીજી મહાન હતા. મહાન હતા તેમાં ના નહીં, પરંતુ તેમના રાજકીય વિચારો બાબતે નહીં. ગાંધીજીની સાથે લાલબહાદુર શાસ્ત્રીની જયંતી પણ બે આૅક્ટોબરે જ આવે છે અને બે આૅક્ટોબરે જ આ વખતે દશેરા હતા. આ બંને બાબતો ગાંધીજીની બોદી અને ખોખલી અહિંસાની વાતોનો છેદ ઉડાવી દે છે. ૧૯૬૫માં પાકિસ્તાન તરફથી યુદ્ધ આવી ચડ્યું ત્યારે શાસ્ત્રીજીએ સેનાને લાહોર સુધી જવાની છૂટ આપી દીધી હતી, અહિંસા પરમો ધર્મ અને ઈશ્વર અલ્લાહ તેરો નામ વાળા ભેળસેળિયા રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન નહોતી બોલાવી. તો વિજયાદશમીએ પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણ પર વિજય મેળવ્યો. સીતા માતાને ઉપાડી ગયેલા અને શ્રી હનુમાન તેમજ અંગદને દૂત તરીકે મોકલવા છતાં સીતા માતાને પાછા આપવા તૈયાર ન થયેલા રાવણ સામે ધરણા અને સત્યાગ્રહ નહોતા કર્યા કે ચરખો નહોતો કાંત્યો.
ગાંધીજીની વાત આવે એટલે પોરબંદરની વાત આવે. તાજેતરમાં અમે પોરબંદર ગયા હતા. એટલે જ પોરબંદરની વાત માંડવી છે. પોરબંદરની ઓળખ માત્ર ગાંધીજીની જન્મભૂમિની નથી. તેની ઓળખ સરમણ મુંજા, સંતોકબેન જાડેજા અને કાંધલ જાડેજાવાળી પણ નથી. સંજય લીલા ભણશાળી ‘ગોલિયો કી રાસલીલા-રામ લીલા’માં બતાવે છે તેમ સામસામે ભડાકે દેવાની પણ નથી. પોરબંદરની ઓળખ આૅલ વેધર પાર્ટ- બંદરની છે. પોરબંદરની ઓળખ સુંદર અને સ્વચ્છ ચોપાટીની, સુદામા મંદિર, ભારત માતા મંદિર, તારા મંદિર (પ્લાનેટોરિયમ), રુક્મિણી મંદિર (માધવપુર ઘેડ), ઉજ્જૈનના રાજા વિક્રમના આરાધ્ય હરસિદ્ધિ માતાનાં મંદિરથી પણ છે.
પોરબંદરનું નામ પૌરવ અને બંદરના મિશ્રણ પરથી બન્યું છે. પૌરવ વંશ યયાતિના પુત્ર પુરુ પરથી આવ્યો છે. પુરુનાં બાળકો પૌરવો કહેવાયા. એલેક્ઝાન્ડર (સિકંદર)ની વિજયયાત્રા રોકનાર પોરસ રાજા પણ પૌરવ વંશનો કહેવાય છે. જેઠવા અને રાજપૂત વંશે તેના પર રાજ કર્યું અને પછી મોગલના સૂબા હેઠળ પણ તે આવ્યું. ૧૮મી સદીના પાછળના ભાગમાં તે મરાઠા સામ્રાજ્યમાં આવ્યું. તે પછી વડોદરાના ગાયકવાડ શાસન હેઠળ આવ્યું.
શ્રી કૃષ્ણના બાળ ગોઠિયા સુદામાની પણ ઓળખ છે. સુદામાપુરી પોરબંદરનું બીજું નામ છે. સુદામાને જેમ ભગવાને સમૃદ્ધ બનાવી દીધા તેમ પોરબંદરમાં પણ એકદંરે સમૃદ્ધિ છલકે છે. અહીં મોટા ભાગે લોકો પ્લાટ-બંગલામાં અથવા ટેનામેન્ટમાં રહે છે. ફ્લેટ ઓછા જોવા મળે છે. ઘણાં ઘરોમાંથી લોકો લંડન કે આફ્રિકામાં રહે છે. પોરબંદરની એક તરફ દ્વારિકા છે તો બીજી તરફ સોમનાથ છે. અગાઉ પોરબંદર જૂનાગઢ જિલ્લામાં આવતું હતું પરંતુ ૧૯૯૭માં શંકરસિંહ વાઘેલાએ નવા જિલ્લા બનાવ્યા તેમાં પોરબંદર પણ એક હતું.
પોરબંદરની ઓળખ નાનજી કાળીદાસ મહેતા થકી પણ છે. જે સમયે પોરબંદરના ગાંધીજીને સમુદ્ર પાર વિદેશ ભણવા જવા સામે વિરોધ કરાતો હતો તેવા સમયે માત્ર તેર વર્ષની જ કાચી વયે નાનજી કાળીદાસ મહેતા પૂર્વ આફ્રિકા ગયા હતા. નાનજી કાળીદાસ મહેતા આર્યસમાજના અનુયાયી હતા. તેમણે પૂર્વ આફ્રિકામાં શાકભાજી, કપાસ અને શેરડીનો ધંધો ચાલુ કર્યો હતો. તેમની મૂળ અટક બદિયાણી હતી પરંતુ તેમના શેઠ તેમને મહેતા કહી સંબોધતા, તેથી તેમણે મહેતા અટક અપનાવી હતી. ઈ. સ. ૧૯૨૫માં યુગાન્ડામાં ખાંડની ફૅક્ટરી અને ડિસ્ટિલરી શરૂ કરી. પૂર્વ આફ્રિકાની ખેતીને સમૃદ્ધ બનાવવામાં અને ઔદ્યોગિકીકરણ કરવામાં તેમનો ફાળો ખૂબ જ છે. આ કાર્ય માટે બ્રિટિશ સરકારે તેમને એમ.બી.ઇ.નું શીર્ષક આપ્યું. (સૌજન્યઃ ગુજરાતી વિશ્વકોશ)
પરંતુ તેઓ ભારતને-પોતાની જન્મભૂમિ પોરબંદરને ભૂલ્યા નહોતા. પોરબંદર પાસે જ એક ગામ છે રાણાવાવ (આ લેખકની જન્મભૂમિ). તેમણે રાણાવાવમાં સિમેન્ટ ફૅક્ટરી અને પોરબંદરમાં મહારાણા મિલ્સની સ્થાપના કરી. એક આડ વાત પણ કરી લઈએ. પોરબંદર અને રાણાવાવ તેના પથ્થર તરીકે ખ્યાત છે. અહીં મોટા ભાગનાં ઘરો પથ્થરથી બનેલાં જોવા મળે છે અને હા, સિંધુ સંસ્કૃતિ મુજબ, ભાવનગર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક જ દિશામાં ઘરના દરવાજા આવેલા હોય, પાછળની બાજુ પણ દરવાજા હોય, ઘરમાં કૂવો હોય, ડંકી હોય, આગળ ઓટલો હોય, ઘરોની દીવાલ અડી-અડીને આવેલા હોય, રસ્તા કાટખૂણે હોય, તેવી રચના જોવા મળે છે. પોરબંદરમાં પણ આવું જ છે.
અને હા, પોરબંદર-રાણાવાવની ઓળખ ‘રાણો, પાણો અને ભાણો’થી છે. રાણો એટલે રાજા, પાણો એટલે પથ્થર અને ભાણો એટલે ભાણજી લવજીનું ઘી. ઘણા લોકો ભાણો એટલે પોરબંદરનું ભાણું એટલે કે જમવાનું તરીકે પણ અર્થ કરે છે.
નાનજી કાળીદાસ મહેતાની વાત પર પાછા ફરીએ. નાનજી કાળીદાસ મહેતાએ વેપાર અર્થે ચીન, હોંગકોંગ, જાપાન, યુરોપ, ઇજિપ્ત, ઇથિયોપિયા વગેરે દેશની મુલાકાત પણ લીધી હતી. વેપાર ક્ષેત્રે યોગદાન માટે તેમને પોરબંદરના મહારાણાએ ‘રાજરત્ન’ અને ‘રાજ્યમંત્રી’નાં શીર્ષક આપ્યા હતા. તે વખતે રાહુલ ગાંધી જેવા વિપક્ષના નેતા હોત તો કહેત, મહારાણાનું શાસન નાનજી કાળીદાસ મહેતાને વેચાઈ ગયું છે.
કન્યાશિક્ષણને તેમણે ઘણું મહ¥વ અને પ્રોત્સાહન આપ્યું. આથી ઠેરઠેર કન્યાશાળાઓ, પુસ્તકાલયો, ઔષધાલયો, આર્યસમાજ અને આર્યકન્યા ગુરુકુળ જેવી સંસ્થાઓ સ્થાપી. પોરબંદરની સ્ત્રીઓ ક્યાંય પાછી ન પડે. ખાસ કરીને મેરાણી (સાચો શબ્દ મહેરાણી). રાત્રે એકલા નીકળવામાં પણ કોઈ સંકોચ નહીં. પ્રેમાળ અને લડાયક બંનેનો બહુ ઓછો જોવા મળતો સંગમ પોરબંદરની સ્ત્રીઓમાં હોય.
નાનજી કાળીદાસ મહેતાના ‘મહેતા ગ્રૂપ’નો વેપાર આજે જય મહેતા સંભાળે છે. જય મહેતાની એક ઓળખ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ તરીકે પણ છે. આમ, જૂહી ચાવલા પોરબંદરની પુત્રવધૂ છે. આજે આ સમૂહનું ૪૧૭૧ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય છે.
મહેર સમુદાય જે મોટા ભાગે મેર તરીકે ઓળખાય છે, રાણાવાવના મનીષભાઈ બાપોદરાનું કહેવું છે કે આફ્રિકામાં કેટલાક અશ્વેતોની દાદાગીરીનો સામનો કરવા માટે નાનજી કાળીદાસ મહેતા પોતાની સાથે મેર લોકોને લઈ ગયા હતા. યુગાન્ડામાં ઈદી અમીનના અત્યાચારો પછી તેઓ લંડન ગયા. લંડનનું લેસ્ટર તો જાણે નાનકડું પોરબંદર જ છે. મેર લોકોની વસતિ ઘણી છે. મેર સમુદાયના લોકો હસમુખા પણ બહુ જ. પોરબંદરના ધવલ કરશનભાઈ ઓડેદરા મજાકમાં કહે છે કે લેસ્ટરમાં મેર લોકો પાન કે ફાકી (અમદાવાદ વગેરેમાં માવો કહે ત્યાં તેને ફાકી કહે) ખાઈને થૂંકે એટલે ત્યાં ‘પાન ખાઈને થૂંકવું નહીં’ તેવી સૂચના ગુજરાતી ભાષામાં મૂકવી પડી છે.
વિકિપિડિયા પ્રમાણે મહેર સમાજ ક્ષત્રિય વર્ણમાંથી આવે છે અને તેઓ પારંપરિક રીતે યૌદ્ધા અને કૃષક છે. સાંદીપની આશ્રમ જતાં વચ્ચે નાગાર્જુન સિસોદિયાનો બંગલો આવે છે. તેઓ પણ મેર હતા અને ૧૯૭૧ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધમાં તેઓ ભારતીય સેના વતી લડતા વીરગતિને પામ્યા હતા. માલદેવ રાણાભાઈ કેશવાલા એક સંત અને સ્વતંત્રતા સેનાની હતા. તો માલદેવજી ઓડેદરા ગુજરાત કાંગ્રેસના અધ્યક્ષ હતા. મહંત વિજયદાસજી પણ મહેર હતા. તેઓ પણ ગુજરાત કાંગ્રેસના પ્રમુખ હતા અને જૂનાગઢને સ્વતંત્ર કરાવવા માટે રચાયેલી આરઝી હુકૂમતમાં તેમણે અગ્ર ભૂમિકા ભજવી હતી. કુતિયાણા બેઠક પરથી તેઓ બિનહરીફ વિજેતા થયા હતા. નર્મદા યોજના, ઘેડ વિસ્તારના વિકાસ, વર્તુ ડેમ, વગેરેમાં તેમણે અંગત રસ લીધો હતો. તેમના પુત્ર ભરત મહંત આજે ભાજપમાં છે.
૧૯૮૫માં પોરબંદરના ધારાસભ્ય લક્ષ્મણભાઈ આગઠ પણ વાડી પ્લાટમાં અમારા એક સમયના ઘર સામે જ રહેતા. પરંતુ તેમનો પરિવાર એકદમ સરળ. ધારાસભ્યના પરિવારના હોવાનું સહેજે અભિમાન નહીં. જાણે ‘નેક્સ્ટ ડાર નૅબર’ હોય તેવા જ.
પોરબંદર બીજી અનેક હસ્તીઓના કારણે પણ જાણીતું છે. ઇતિહાસકાર, સંશોધક અને સાહિત્યકાર નરોત્તમ પલાણ અમારા પોરબંદરના પડોશી. તેમને અમે નભુભાઈ તરીકે ઓળખીએ. તેઓ આજે ૯૧ વર્ષે પણ યુવાન છે. શ્વેત કેશી નરોત્તમભાઈ એટલો જ તરવરાટ ધરાવે છે. ટાઢ હોય, તડકો કે વરસાદ, પ્રતિ દિન અચૂક ચાલવા જવાનું. વાંચવાનું અને લખવાનું. તેમનું વાડીપ્લાટ- શેરી નંબર ત્રણમાં આવેલું ઘર ‘દર્શન’ પુસ્તકોથી ભરપૂર છે. આ સાચવવા માટે તેમનાં પત્ની રસીલાબહેનને પણ ધન્યવાદ આપવો પડે. વેકેશનમાં પોરબંદર ગયેલા ત્યારે તેમના ઘરે ‘મહાભારત’ ધારાવાહિક જોવા જતા અને કેબલમાં આવતી ફિલ્મો મનોજકુમારની ફિલ્મો ‘રોટી કપડા ઔર મકાન’ અને ‘ક્રાંતિ’ પણ તેમના ઘરે જોઈ હતી. રસીલાબહેન પણ એટલા જ હસમુખાં છે. તેઓ તે સમયે કહેતા કે ‘ભંવરા બડા નાદાન હૈ’ ગીત આવે એટલે છોકરાઓ- પુનિત, કાર્તિક અને દર્શન ‘હૈ’નો ઉચ્ચાર ભારપૂર્વક કરી હસાવે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જેઠાલાલના પાત્ર વગર અધૂરું છે. અને જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી પોરબંદરથી માધવપુર ઘેડ જતાં આવતા ગોશા ગામના બ્રાહ્મણ છે. વિજ્ઞાન સામયિક ‘સફારી’ના જનક અને વિજ્ઞાન-ઇતિહાસ લેખક નગેન્દ્ર વિજયના પિતા વિજયગુપ્ત મૌર્ય પણ વિજ્ઞાન અને પ્રકૃતિ લેખક હતા. વિજયગુપ્ત મૌર્ય પણ પોરબંદરના.
શિપિંગ અને ટૅક્સ્ટાઇલ્સમાં એક મોટું નામ નરોત્તમ મોરારજીનું છે. તેઓ પણ પોરબંદરમાં જન્મેલા. દેશભરમાં જાણીતી દેના બૅંકના સ્થાપક પ્રાણલાલ દેવકરણ નાનજી પણ પોરબંદરના. તેમણે દેના બૅંકનું નામ તેમના પિતા દેવકરણ નાનજી પરથી રાખ્યું હતું. હવે તે બૅંક આૅફ બરોડામાં વિલીન થઈ ગઈ છે.
નાનજી કાળીદાસ મહેતા જેમની મૂળ અટક બદિયાણી હતી, તેની સાથે અભિનેત્રી રિતિકા બદિયાણીને કોઈ સંબંધ છે કે નહીં, તે તો જાણવા નથી મળતું પરંતુ રિતિકા પોરબંદરમાં જન્મેલી છે. તેણે અક્ષયકુમારની ‘ઍરલિફ્ટ’ અને મળયાળમ ’૧૦ કલ્પનકલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ પણ પોરબંદરના. નાનાભાઈ ભટ્ટે, અનિલ કપૂર-શ્રીદેવીની ‘મિ. ઇન્ડિયા’ જેના પરથી પ્રેરિત હતી તેવી ‘મિ. ઍક્સ’ બનાવી હતી. આ સિવાય પણ ઘણી ફિલ્મો તેમણે બનાવી.
ઓમાન વતી રમતો ક્રિકેટર અજય લાલચેતા પણ પોરબંદરમાં જન્મેલો છે. તેણે સૌરાષ્ટ્રની અંડર ૧૬ ટીમથી કારકિર્દી શરૂ કરી.
આ બધા સાથે અને એટલું જ અગ્રેસર એક નામ મૂકવું પડે. કેતન ગજ્જરનું. તાજેતરમાં ગંભીરા પૂલની દુર્ઘટના ઘટી તેમાં કોઈ કંપનીથી મેળ ન પડ્યો, ત્યારે છેવટે આ યુવાન ભાઈએ સાહસ હાથ ધર્યું અને તેમણે પોતાની ટીમ સાથે મળીને ટેન્કરને સફળતાપૂર્વક કાઢી બતાવ્યું. કેતનભાઈ વિશ્વકર્મા મરીન પ્રા.લિ.ના સ્વામી છે. ટેન્કરને ઉગારવાના કામ માટે તેમણે એક પણ પૈસો લીધો નથી. કિવદંતી મુજબ, તેમણે મુખ્ય પ્રધાનને એટલું જ કહ્યું હતું કે તમે પોરબંદર આવો ત્યારે મારા ઘરે જમજો. કેતનભાઈ આવા ઉગારવાના અઘરા કામો જ હાથમાં લે છે. જ્યાં બીજા કોઈનું ભેજું કામ ન કરે ત્યાં કેતન ગજ્જરનું ભેજું કામ કરે.
૧૫ આૅગસ્ટના પર્વે રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. કેતનભાઈ સમાજસેવક પણ છે. તેઓ બાલા હનુમાનજીના ખૂબ જ શ્રદ્ધાવાન ભક્ત છે. બાલા હનુમાન ગ્રૂપ ચલાવે છે. આ ગ્રૂપે ૫,૭૦૦ બાટલ રક્ત એકઠું કરી વિક્રમ સર્જ્યો હતો. રાણાવાવથી પોરબંદર જતાં માર્ગ પર તેમની ગૌશાળા પણ આવે છે જેમાં ૩૦૦થી વધુ ગીર ગાયો નભે છે.
અને આ બધા ઉપરાંત એક અલગ યુનિવર્સિટી જેવો રમેશભાઈ ઓઝાનો સાંદીપની આશ્રમ તો કેમ ભૂલાય? તે અનેક વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કેન્દ્ર છે તો ભક્તો માટે શ્રી હરિ મંદિરના દર્શન અને કથા કીર્તનનું કેન્દ્ર છે. વિશાળ પરિસરમાં બનેલો આ આશ્રમ ચોખ્ખાઈ, તેની બનાવટ અને વ્યવસ્થા માટે અચૂક મુલાકાત લેવા જેવો છે. બીજા કેટલાક કથાકારો પત્રકારો-લેખકોને જોડીને પોતાની વાહવાહ કરાવે છે, ભક્તોના દાનથી પોતાના નામે દાન કરાવે છે, તેવું રમેશભાઈનું નથી. અમે આશ્રમ ગયા ત્યારે વૃંદાવનના યુવાન કથાકાર પુંડરીક ગોસ્વામી પોતાની મધૂર વાણીમાં કથાપ્રસાદ વહેંચી રહ્યા હતા.
પોરબંદરમાં મોટી હસ્તી હોય કે નાના માણસ, પ્રેમભાવ જોવા મળે. કોઈને કોઈ ચિંતા નહીં. એ નિરાંતથી બધું ચાલે. અહીં રિક્ષાવાળા પણ તમારી સાથે પ્રેમથી, રમૂજથી વાત કરે, પોતાનો ફાન નંબર આપે. એટલું જ નહીં, અમે સાંદીપની આશ્રમ જતા હતા ત્યારે શટલ રિક્ષામાં એક કિશોર આવ્યો તો તેના પૈસા રિક્ષાવાળા અનિલભાઈએ જતા કર્યા. તેમણે કહ્યું કે ‘તારા શું પૈસા લેવાના?’ બીજી વાર એક વૃદ્ધ રિક્ષાવાળા ભાઈએ વાડી પ્લાટથી ચોપાટી સુધીના પૈસા ન લીધા. કહ્યું કે “ધવલને નાનપણથી જોઉં છું. સંબંધમાં પૈસા ન લેવાના હોય.”
પોરબંદરમાં કોઈપણ ઓળખીતાના ઘરે જાવ એટલે સૌરાષ્ટ્રની જેમ જ, તમારે જમવાની તૈયારી સાથે જવાનું. જમો નહીં, તો જમવા જેટલો નાસ્તો કરાવે.
લારી પર જમો કે ગુરુકૃપા ભોજનાલયમાં, તમને ઘરનું જમતા હો તેવું લાગે અને એટલું જ પ્રેમથી પીરસવાનું. ગરમાગરમ ફાફડા (અને અમદાવાદ જેવા ધોકા જેવા જાડા ફાફડા નહીં) હોય કે વણેલા ગાંઠિયા, તેની સાથે રાયતા લાલ-લીલા બંને મરચા અને સાથે તળેલા ગરમ લીલા મરચા, મરચાની ચટણી અને પપૈયાનો સંભાર. દહીં અને છાશ તો વાત જ ન પૂછો. ત્યાં રેસ્ટારન્ટ હોય કે ઘરે, એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મળે. ભાઈ, શ્રી કૃષ્ણના ભેરુનું ગામ છે. ત્યાં દહીં-છાશ સારા ન મળે તો ક્યાં મળે ! દહીંનો ઓળો માત્ર પોરબંદરમાં જ જોયો.
નરેન્દ્ર મોદીના વિકાસની છાપ પણ પોરબંદરમાં દેખાય છે. શ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયા હતા તે માધવપુર ઘેડને ઉત્સવ દ્વારા તેમણે વિશ્વ પ્રવાસના નકશા પર મૂકી દીધું છે. તો જાંબુવન ગુફા પાસે પણ તેમણે મિની તળાવ બનાવડાવ્યું છે. રસ્તા પણ પહોળા અને ફ્લાય આૅવરેય જોવા મળે છે. હા, પોરબંદરમાં બીજા ઉદ્યોગધંધા ખાસ નથી. અભ્યાસ-નોકરી-ધંધા માટે લોકોને બહાર જવું પડે છે. એટલે ભાવનગરની જેમ પોરબંદર પણ પેન્શનર્સ પેરેડાઇઝ કહેવાય છે.
jaywant.pandya@gmail.com










































