વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા વેરાવળ શહેરની ખાનગી શાળાઓમાં એક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલના માર્ગદર્શન હેઠળ, વેરાવળના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર. નંદાણીયા અને સી.આર.સી. કોઓર્ડિનેટર જયેશભાઈ સોલંકીએ આ મુલાકાત લીધી હતી. આ ઓચિંતી તપાસ દરમિયાન અધિકારીઓએ બાળકોના દફતરનું વજન, તેમને આપવામાં આવતું ગૃહકાર્ય, શાળાની ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોની લાયકાત જેવી બાબતોની ચકાસણી કરી હતી. શિક્ષણ વિભાગની સૂચનાઓનું યોગ્ય રીતે પાલન ન કરતી શાળાઓને તાત્કાલિક ધોરણે નિયમોનું પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. આ શૈક્ષણિક ટીમે શાળાઓને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં દફતરનું વજન શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ જ રાખવું અને નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ની ગાઈડલાઈન અનુસાર જ ગૃહકાર્ય આપવું. જો ભવિષ્યમાં કોઈ ખામીઓ જણાશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.








































