જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત
અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બપોર બાદ અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. જયારે તાલુકાના ચક્કરગઢ, મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, ચાંદગઢ, રાજસ્થળી, પીઠવાજાળ સહિતના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. પાકને જરૂરિયાતના સમયે મળેલા વરસાદથી કપાસ, બાજરી, મગફળી, મગ, અડદ, જુવાર અને મકાઈ સહિતના પાકોને લાભ થશે. વરસાદથી અમરેલી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા. લાંબા વિરામ બાદ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો છે.
જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ શહેર સહિત નાગેશ્રી, વાંઢ, મીતિયાળા અને બાબરકોટ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે વરસેલા આ વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. આ વરસાદ ખેડૂતો માટે ખુશી લઈને આવ્યો છે, કારણ કે પાકને જીવનદાન મળ્યું છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિવસ દરમ્યાન ૧.પ ઈચ વરસાદ ખાબક્યો હતો.








































