ખેતી અને પશુપાલન વ્યવસાય એકબીજાના પુરક વ્યવસાય છે. ગામડાઓના ભૂતકાળમાં નજર કરવામાં આવે તો ખેતીના વ્યવસાય સાથે દરેક ખેડૂત પરિવારમાં ગાય-ભેંસો હતા. ઘરની મહિલાઓ પશુપાલન વ્યવસાય થકી દૂધ, ઘીનું વેચાણ કરીને ઘરનાં ખર્ચાઓ કાઢી લેતા હતા. આજે ગામડાઓમાં ખેડૂતોનાં ઘેર પશુપાલન વ્યવસાય રહેવા પામ્યો નથી. જેના હિસાબે હવે ઘર ખર્ચ પણ ખેતીની આવકમાંથી કાઢવો પડે છે. રાજય સરકાર ખેડૂતો, પશુપાલકોને પશુપાલન વ્યવસાય સાથે જાડી રાખવા પશુ ખરીદી સહાય, ખાણદાણ સહાય, તબેલાના શેડ માટેની સહાય જેવી અનેક સારી યોજનાઓ ચલાવે છે. અને ઘણા લોકો તેના લાભ લઈને આત્મનિર્ભર પણ બને છે.
અમરેલી શહેરના ઓછી જમીન ધરાવતા નાના ખેડૂત જગદિશભાઈ વિઠલભાઈ દુધાત જેની પાસે માત્ર પ વિઘા જમીન છે. ઓછી જમીન ધરાવતા આ ખેડૂત પરિવારમાં પોતાના બે દીકરાઓ અભિ અને સ્મિત જેની ઉંમર ર૬ અને ર૪ વર્ષિય છે. અભિએ ઓટોમોબાઈલ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં અભ્યાસ કરેલ છે. જયારે સ્મિત સ્નાતક છે. પોતાના પિતા પાસેથી માત્ર એટલું જ શીખ્યા કે ખેડૂતના દીકરા છો. કામમાં શરમ ન રાખતા અને નોકરી કરીને કોઈના હાથ નીચે રહેવા કરતા પોતાના કાંડાની મહેનત ઉપર તમારા પગ ઉપર ઉભા થજા.
બન્ને ભાઈઓએ પિતાની વાત સ્વીકારી અને અભ્યાસ સાથે જ ઘરના પશુપાલન વ્યવસાયમાં ધ્યાન આપતા થયા. અભિ કહે છે, “આજે અમારી પાસે ૧૪ ભેંસો અને ર ગાય છે. જે રોજનું ૧૪૦થી ૧પ૦ લિટર દૂધ આપે છે. અને અમારા ગ્રાહકોને ઘેર – ઘેર બન્ને ભાઈઓ દૂધ પહોંચતું કરીએ છીએ. ગ્રાહકોને શુધ્ધ અને ચોખ્ખુ દૂધ આપવુ એ અમારો જીવનમંત્ર છે.” મજાની વાત કરતા અભિ કહે છે, “આજે સમાજમાં એવો ડર છે કે ગામડાઓમાં રહે કે ખેતી કરે તેના દીકરાની સગાઈ, લગ્ન થતા નથી પણ આ વ્યવસાય સાથે જાડાયેલા હોવા છતાં અમારા બન્ને ભાઈઓના લગ્ન થયા છે. આમ કોઈ વ્યવસાય નાનો નથી. ખેતી અને પશુપાલન વ્યવસાય કયારેય બંધ થવાના નથી અને દૂધની કાયમ તંગી રહેવાની છે. ત્યારે આ વ્યવસાયમાં આધુનિક ઢબે યુવાનોએ આવવુ જોઈએ.” આગામી સમયમાં અભિ અને સ્મિત અમરેલીમાં મોટો તબેલો બનાવવા જઈ રહ્યા છે. ત્યારે આવા જુવાનીયાઓને અભિનંદન આપવા ઘટે.
અભિ દુધાત: ૯૬૦૧પ૩૯પ૯૧.

:: તિખારો::
ભોળા અને માયુસ ચહેરાનો ભરોસો કયારેય ના કરવો, કારણ કે એ દગાખોર હોય છે. જીંદગીમાં તમને બધુ ફરી મળી જશે પણ ભરોસો અને વિશ્વાસ પાછા કયારેય નહિ મળે.