અમરેલી શહેરમાં અમુક વિસ્તારમાં અશાંત ધારાનો અમલ હોવા છતાં આ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી હિન્દુ સમાજને ટાર્ગેટ કરી, માનસિક ત્રાસ આપી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતા હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલી શહેરના મધ્યમાં આવેલ બટારવાડી, ગજેરાપરા, સરદાર નગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ પરિવારો શાંતિપૂર્વક રહેતા હતા પરંતુ આ વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ છેલ્લા ત્રણ-ચાર મહિનાથી કરવામાં આવી રહ્યો છે. ઉપરોક્ત વિસ્તારોમાં અશાંત ધારાનો કાયદો અમલમાં છે. આમ છતાં આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોને માનસિક ત્રાસ આપી ૭૦% જેટલા હિન્દુ પરિવારને મકાન વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. કોઈપણ ભોગે આ વિસ્તારમાંથી હિન્દુ પરિવારો મકાન ખાલી કરે તેવું એક ચોક્કસ સમાજ દ્વારા કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હિન્દુ પરિવારોની મુશ્કેલી તેમજ તેમની સમસ્યાને વાચા મળે તે માટે આજરોજ સાંજના પાંચ કલાકે પત્રકાર પરિષદનું આયોજન સરદાર ચોકમાં આવેલ રામેશ્વર મંદિરે રાખવામાં આવેલ છે.
તંત્ર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં
અમરેલી શહેરમાં અશાંત ધારાનો કડક અમલ કરવામાં આવે તે માટે જિલ્લા પોલીસ વડા, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે હિન્દુ પરિવારોને નાછૂટકે મકાન વેચવાની ફરજ પડે છે.
હિન્દુ પરિવારને મામૂલી રકમમાં મકાન વેચવું પડે છે
અમરેલી શહેરમાં અશાંત ધારાનો કડક અમલ થતો ન હોવાથી હિન્દુ પરિવારોની કનડગત કરવામાં આવે છે જેના કારણે હિન્દુ પરિવારોને વિસ્તાર છોડવાની ફરજ પડે છે. અમુક ચોક્કસ સમાજ દ્વારા જ કનડગત કરવામાં આવતી હોવાથી તે જ સમાજને હિન્દુ પરિવારે મામૂલી રકમમાં મકાન વેચવાની ફરજ પડતી હોવાનું હિન્દુ પરિવારોએ જણાવ્યું હતું.







































