ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે વૃક્ષ છેદન મામલે થયેલી ફરિયાદનો ખાર રાખી ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિએ મહિલા ફોરેસ્ટ અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને હુમલાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજી ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. નિહારિકાબેન પંડ્યા ગઇકાલે સાંજે પીપળીયા ગામમાં વૃક્ષ છેદન અંગે તપાસ માટે ગયા હતા. અહીં તેમને મોટીમારડ ગ્રામ પંચાયતના સભ્યના પતિ પરેશ વાછાણી મળ્યા હતા. ત્રણ મહિના અગાઉ થયેલા વૃક્ષ છેદન મામલે પરેશે ફોરેસ્ટ વિભાગ વિરુદ્ધ કલેક્ટરને ફરિયાદ કરી હતી, જે બાબતે અધિકારીએ તેમને પૂછ્યું હતું. આ સવાલ સાંભળી પરેશ વાછાણી ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા અધિકારી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. તેમણે અધિકારીને ઢીકાપાટુનો માર પણ માર્યો હતો, જેના કારણે તેમને ઈજાઓ થઈ હતી. આ ઘટનાને કારણે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ થઈ હતી. આ મામલે નિહારિકાબેન પંડ્યાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પરેશ વાછાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફોરેસ્ટ અધિકારી નિહારિકાબેન પંડ્યાએ જણાવ્યું કે આ ઘટના ફોરેસ્ટ વિભાગ હસ્તકની નહીં, પરંતુ સરકારી ખરાબાની જમીનમાં થયેલા વૃક્ષ છેદન મામલે હતી, જે અંગેનો રિપોર્ટ મામલતદારને સુપરત કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં આરોપીએ કાયદાનો ભંગ કરી હુમલો કરતાં આ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.










































