રાજૂલા નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી કાયમી નોકરીની માંગ સાથે હડતાળ પર છે. આ હડતાળ દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા બહારથી મજૂરો બોલાવી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેના કારણે બે હડતાળી કર્મચારીઓએ મનદુઃખ રાખીને રાજુલાના મુખ્ય બજારમાં સડેલું પશુનું માંસ ફેંકી અસહ્ય દુર્ગંધ ફેલાવી હતી. આ અંગે ચીફ ઓફિસર પાર્થિવ ગજેન્દ્રવન ગોસ્વામી (ઉ.વ.૫૬)એ આકાશભાઈ નરેન્દ્રભાઈ પરમાર તથા ગૌતમભાઈ હંસરાજભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી. રાજુલા નગરપાલિકામાં કામ કરતા રોજમદાર કર્મચારીઓ હાલમાં પંદર દિવસના વારા પર નોકરી કરે છે. તેઓ આખા મહિનાની નોકરીની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને કારણે શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ન જાય તે માટે નગરપાલિકાએ પોલીસના બંદોબસ્ત સાથે બહારથી અંદાજે પંદર જેટલા મજૂરો બોલાવીને સફાઈ કામગીરી શરૂ કરી હતી. આ વાતનું મનદુઃખ રાખી, નગરપાલિકાના બે હડતાળી કર્મચારીઓ એક સફેદ રંગની એક્ટિવા પર સડેલું પશુનું માંસ લઈને આવ્યા હતા. તેમણે રાજુલાની નીચલી બજારમાં આવેલી દેલવાડીયા મહાજન વાડી પાસેના જાહેર રસ્તા પર આ દુર્ગંધ મારતું માંસ ફેંકી દીધું. આ કૃત્યથી જાહેર રસ્તા પર અસહ્ય દુર્ગંધ ફેલાઈ હતી.









































