મહીસાગર જિલ્લાના બાલાસિનોર-પિલોદરા રોડ પર આવેલી એક જમીનને લઈને ઉભો થયેલો વિવાદ હિંસામાં ફેરવાયો છે. આ ઘટનામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠકના પુત્ર પાર્થ રાજેશભાઈ પાઠક સહિત ૨૦ જેટલા શખ્સો સામે બાલાસિનોર પોલીસે મધરાતે એફઆઈઆર નોંધી છે. ફરિયાદી જીગરભાઈ પટેલે આરોપ લગાવ્યો છે કે જમીનની માપણીના મુદ્દે થયેલા ઝઘડામાં તેમને માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.

જીગરભાઈ પટેલ, જેઓ ખેતીકામ અને સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે, તેમણે જણાવ્યું કે તેઓ તેમના મામાના દીકરા નીતિનભાઈ ભાઈલાલભાઈ પટેલની જમીન પર હાજર હતા. આ જમીન રાજેશ પાઠકની જમીનની બાજુમાં આવેલી છે. ઘટનાના દિવસે રાજેશ પાઠકના પાર્ટનર ટીના મામા જમીનની માપણી કરી રહ્યા હતા. માપણી દરમિયાન તેઓ ફરિયાદીની જમીનની હદ નજીક આવ્યા, જેનો જીગરભાઈએ વિરોધ કર્યો. આ વાતથી ટીના મામા ત્યાંથી ચાલ્યા ગયા.

આશરે દોઢ વાગ્યાના સુમારે પાર્થ રાજેશભાઈ પાઠક ૪૦ જેટલા શખ્સો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને જમીનની માપણીનો વિરોધ કરનારની ઓળખ માગી. ટીના મામાએ જીગરભાઈનું નામ આપતાં, પાર્થે માપણી ચાલુ રાખવાનું કહ્યું. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ જીગરભાઈ પાસે આવીને ગાળો બોલવા લાગ્યો અને જમીનના સાત-બારમાં તેમનું નામ હોવાનો સવાલ કર્યો. જીગરભાઈએ સ્પષ્ટ કર્યું કે જમીન તેમના મામાના દીકરાની છે અને તેઓ તેની સંભાળ રાખવા આવ્યા છે.

આ વાતથી ગુસ્સે થયેલા અજાણ્યા શખ્સે અને પછી પાર્થ સહિત અન્ય લોકોએ જીગરભાઈ પર હુમલો કર્યો. ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમને ગદદાપાટુનો માર મારવામાં આવ્યો, જેમાં તેમના માથાના પાછળના ભાગે, ડાબા હાથની આંગળી પર અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ. માથાના ભાગે લોહી નીકળ્યું અને તેમને ૭ ટાંકા લેવાની ફરજ પડી. આરોપીઓએ જીગરભાઈને ફરીથી જમીન પર ન આવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી.

જીગરભાઈને તાત્કાલિક સારવાર માટે બાલાસિનોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમણે ૧૦૦ અને ૧૧૨ નંબર પર કોલ કરી પોલીસને જાણ કરી. પોલીસે ફરિયાદના આધારે પાર્થ રાજેશભાઈ પાઠક અને તેમના ૨૦ મળતીયાઓ સામે મારામારી, ગાળાગાળી, રાયોટિંગ અને ધમકીના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ પાર્થ પાઠક અને તેમના સાથીઓ હાલ પોલીસ પકડથી બચવા ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદીએ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની માગણી કરી હતી, પરંતુ પોલીસે માત્ર મારામારી અને રાયોટિંગનો ગુનો નોંધ્યો, જેના કારણે બાલાસિનોર પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે.પાર્થ રાજેશ પાઠક, જેઓ પપ્પુભાઈ તરીકે ઓળખાય છે, તે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી અને બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકના પુત્ર છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણ અને સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. જમીન વિવાદના આ કિસ્સામાં હવે પોલીસની આગળની  કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ પર સૌની નજર છે.