અમરેલી શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાવરકુંડલામાં રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવાર સાંજ સુધી શરૂ રહ્યો હતો. અવિરત વરસાદના પગલે સાવરકુંડલામાં ૯ ઈંચ વરસાદ વરસી જતાં સાર્વત્રિક પાણી પાણી થઈ ગયું હતું. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વરસાદના પગલે ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા. ભારે વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, ચેકડેમો પણ છલકાયા હતા. સાવરકુંડલામાં પડેલા ભારે વરસાદના કારણે નાવલી નદીમાં ભારે પૂર આવ્યું હતું જેમાં એક ફોરવ્હીલ તણાઈ હતી
સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સાવરકુંડલાના ઘોબા ગામ નજીક ફલકું નદી, મેરામણ નદી અને ગાધકડા, ડુંગર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. સાવરકુંડલાના જાબાળ ગામે સૂરજવડી નદી બે કાંઠે વહેવા લાગી હતી. સૂરજવડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું હતું. સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે મેઘરાજાનું દબદબાભેર અને વિધિવત આગમન થયું છે. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે, અને ખાસ કરીને ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે. વરસાદના કારણે સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ પાંચમી વખત ઓવરફ્લો થયો છે. અગાઉ કમોસમી વરસાદ દરમિયાન આ ચેકડેમ ચાર વખત છલકાયો હતો.
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
ભારે વરસાદના લીધે રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. નદીના ધસમસતા પ્રવાહના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા હતા. લીલીયાના ભોરીંગડા ગામે
એસ.ટી. બસ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીંગડા ગામે બની રહેલા કોઝ-વેના કારણે ડાયવર્ઝન અપાયું હતું. આ ડાયવર્ઝનમાં પાણી ભરાતાં બસ ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
નાના માચીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસ.ટી. બસ પર પડ્યું હતું, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. દેવરાજીયા-માળીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી તાલુકાના કાઠમા ગામે ખોડીયાર મંદિરે પૂજા કરતા પૂજારી નટુબાપુના ત્રણ પરિવારજનો પૂરમાં ફસાયા જે સ્થાનિક લોકોની મદદથી બહાર આવ્યા હતા. મોટા આંકડિયા સહિતના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદના કારણે અમરેલીના વડી ડેમમાં જોરદાર પાણીની આવક થઈ હતી જેના કારણે છ દરવાજા બે મીટર ખોલવામાં આવ્યા હતા.
રાજુલાનાં હડમતીયા અને દેવકા ગામની વચ્ચે આવેલી જોલાપુરી નદીમાં પૂરની સ્થિતી જોવા મળી હતી. જે પાણીના ભયંકર પ્રવાહમાં ૨૫ જેટલા ઘેટા તણાવા લાગ્યા હતા. જોકે ઘેટા તણાતા સ્થાનિકો દ્વારા ઘેટાને બચાવવા માટે તાત્કાલીક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નદીમાં ભારે પ્રવાહ હોવાને કારણે ૧૫ જેટલા ઘેટા તણાઈ ગયા હતા, જ્યારે ૧૦ ઘેટાને બચાવી લેવામાં આવ્યા હતા. રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે ધાતરવડી ડેમ એક અને બે બંને ઓવરફ્લો થઈ ગયા હતા. જેના પાણી વાવેરા ગામની અંદર ઘૂસી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ૫૦ વર્ષમાં આટલું પાણી ક્યારેય પણ ગામમાં આવ્યું નથી. ભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ખેતીવાડીને ભારે નુકસાન થયું છે. દામનગર અને લાઠી વિસ્તારમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી. મતીરાળા, વરસડા, ઈશ્વરીયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. શેત્રુંજીના કાંઠે લીલીયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં છ નાગરિકો અને નદીકાંઠે આવેલા રાજુલા નગરપાલિકાની સત્યજીત સોસાયટી વિસ્તારમાં બે નાગરિકો પાણીમાં ફસાયા હતા તેમને પણ રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મેરામણ નદીનાં બેઠા પુલ પર ફસાયેલા ૬ લોકોને બચાવાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ફીફાદથી ગારીયાધાર જવાના રસ્તા પર મેરામણ નદીનાં બેઠા પુલમાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડ તથા સ્થાનિક લોકોની મદદથી ૬ લોકોને સલામત રીતે રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.
પીપાવાવ ખાતે ર૪ લોકોનું રેસ્કયુ કરાયું
રાજુલાના પીપાવાવ ખાતે GWSSB પ્રોજેક્ટમાં કામ કરતા ૨૪ લોકોને પીપાવાવ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવી જતા ૨૨ લોકો પૂરમાં ફસાયા હતા. જેની જાણ તંત્રને થતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો
અમરેલી જિલ્લામાં સવારે સોમવારે ૬ થી સાંજે ૮ વાગ્યા સુધીના વરસાદી આંકડા પ્રમાણે કુંકાવાવ-વડીયામાં ૩ ઈંચ, બાબરામાં ૩ ઈંચ, , લાઠીમાં ૨ ઈંચ, લીલીયામાં પ ઈંચ, અમરેલીમાં ૬ ઈંચ, બગસરામાં ર ઈંચ, ધારીમાં ર ઈંચ, સાવરકુંડલામાં ૯ ઈંચ, ખાંભામાં ૬ ઈંચ, જાફરાબાદમાં ર ઈંચ, રાજુલામાં ૭ ઈંચ વરસાદ નોંધાયો હતો.