સાવરકુંડલાના મહુવા રોડ ફાટક પાસે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને કારણે મેઈન રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝન રોડ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય છવાયેલું છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ડાયવર્ઝન રોડ પર મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, નિયમોની ધજાગરા ઉડાડીને કન્ટેનર જેવા મોટા વાહનો આ રસ્તા પરથી શહેરમાં ગેરકાયદે પ્રવેશી રહ્યા છે. સોમવારે વહેલી સવારે એક મોટું કન્ટેનર આ ડાયવર્ઝન રોડ પર ઊંધું વળી ગયું હતું, જેના કારણે ટ્રાફિકમાં ભારે અવરોધ ઊભો થયો હતો. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. નિયમો અનુસાર, કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝન રોડ પર ડામર પાથરવાનો હોય છે, પરંતુ તેના બદલે માત્ર માટી નાખી દેવામાં આવી છે, જેના કારણે વરસાદી પાણી અને વાહનોની અવરજવરથી રસ્તો કાદવ-કીચડથી ભરાઈ ગયો છે. આનાથી રાહદારીઓ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો તેમજ નાના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સ્થાનિક વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક પ્રશાસનને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપી, ડાયવર્ઝન રોડની સ્થિતિ સુધારવા અને ગેરકાયદે વાહનોના પ્રવેશને અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી લોકોની માગણી છે.