અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતા વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. અમરેલી જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા કલેકટરે, વાહન ચાલકોની સલામતી માટે અમરેલી જિલ્લાના વિવિધ રસ્તા પર આવશ્યકતા મુજબ જરુરી સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ, રેડિયમ, માર્કિંગ પટ્ટા, બેરિયર લગાવવા સહિતના સૂચન કર્યા હતા. આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર દિલિપસિંહ ગોહિલે, અમરેલી જિલ્લાના અકસ્માત સંભવિત જોખમી માર્ગોની આર.ટી.ઓ. તેમજ અન્ય સંબંધિત વિભાગોને સંયુક્ત મુલાકાત કરી અને જરુરી તકેદારીના પગલા ભરવાના સૂચનો રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેમાં ચલાલાથી સાવરકુંડલા માર્ગ અને રાજુલાના નેશનલ હાઇવે માર્ગની સમીક્ષા કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં તેમણે વાહન ચાલકોની સલામતી માટે અમરેલીથી-ચિત્તલ-બાબરા માર્ગ પર જંગલ કટિંગ અને રોડની સરફેસની બંને બાજુ યોગ્ય માપમાં સાફ-સફાઇ કરવાનું સૂચન કર્યુ હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નાયબ પોલીસ અધિક્ષક ગોહિલ, માર્ગ અને મકાનના વિભાગ રાજ્ય અને પંચાયત, પોલીસ, આરોગ્ય, નેશનલ હાઈ-વે ઓથોરિટી, ઇમરજન્સી સેવા ૧૦૮ સહિત કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.