શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્યારે હવામાન વિભાગે આજે (સાતમી એપ્રિલ) રાજ્યના ૧૮ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી. બપોર થતાં થતાં તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ભરઉનાળામાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો છે તે અંગેની માહિતી જાઈએ.
આજે મંગળવારના રોજ પાટણ જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થયું છે. ભરઉનાળે પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસ્યું માવઠું થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. ત્યારે પંથકના ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
આજે ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર સહિત જિલ્લામાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જ્યો છે. ભાવનગર શહેરમાં વાદળોમાં ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. માવઠાથી બાગાયત પાકો સહિત ખેતીવાડીમાં નુકસાનની ભીતિ થવાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
મહેસાણા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લામાં કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે. મહેસાણા, વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ છે.
હવામાન વિભાગે ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્્યતા દર્શાવી હતી. આજે એટલે મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા સૌરાષ્ટ-કચ્છના જિલ્લાઓમાં જેમકે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મહત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાકમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્્યતા નથી. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જાકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં તો ૧૧થી ૧૩મી તારીખ સુધીમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવવાની આગાહી પણ આપવામાં આવી છે.









































