કીર્તિ પટેલનો મૃગિકુંડ સ્નાન વિવાદ શાંત પડ્યાના દોઢ-બે મહિના બાદ હાલ તેની બહેનપણી સાથે જાડાયેલો મુદ્દો સૌ કોઈનું ધ્યાન ખેંચી રહ્યો છે. કીર્તિ પટેલની ફ્રેન્ડ દિવ્યા સાવલાણી સામે વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દિવ્યા સાવલાણી પર આક્ષેપ છે કે, તેણીએ નાણા ધીરધારનું લાયસન્સ હોવા છતાં ૧૦ ટકા ગેરકાયદે વ્યાજ વસૂલ્યું છે. આટલું જ નહીં, તેણે યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આરોપ થઈ રહ્યા છે. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વિગતવાર વાત કરીએ તો, જૂનાગઢમાં અશરફ બલોચ નામના યુવકે હાલ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની બહેનપણી દિવ્યા સાવલાણી સામે એક પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં દિવ્યા પર આરોપ લગાવ્યા છે કે, તેણે દસ ટકા વ્યાજ લેખે રૂપિયા ૩૦,૦૦૦ આપી ગેરકાયદેસર વ્યાજખોરીની વસૂલી છે. તેની પાસે નાણા ધીરધારનું લાયસન્સ હોવા છતાં ગેરકાયદેસર રીતે વ્યાજે પૈસે આપી હવે ઉઘરાણી માટે ત્રાસ આપી રહી છે.
ફરિયાદ મુજબ, દિવ્યા સાવલાણીએ અશરફ બલોચને રૂ. ૩૦,૦૦૦ દસ ટકા વ્યાજે આપી તેની પાસેથી કોરા ચેક મેળવી લીધા છે અને હવે તેના દમ પર દિવ્યા અશરફ પાસેથી પઠાણી ઉઘરાવી રહી છે. આ માટે તે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહી છે. જેથી તેની જાનને ખતરો છે અને આ માટે તેણે વ્યાજખોરીના ચુંગાલમાંથી બચવા પોલીસના દ્વાર ખખડાવ્યા છે, ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે, વ્યાજખોરીના જેના પર આરોપ લાગી રહ્યા છે તે દિવ્યાની વિવાદિત કીર્તિ પટેલ સાથે ગાઢ મિત્રતા ધરાવે છે અને આ પહેલા જૂનાગઢ મૃગિકુંડ સ્નાન દરમિયાન કીર્તિ પટેલ અને દિવ્યા ત્રાસ આપતી હોવાના આરોપો લગાવી જૂનાગઢના એક યુવકે બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. જે બાદ આરોપી દિવ્યાની પોલીસે ધરપકડ પણ કરી હતી, ત્યારે હાલ ફરી એકવાર દિવ્યા સામે ગંભીર આરોપો ઉછડતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.