સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ અમદાવાદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે ઉમેદવારોની પસંદગી માટે એવા કડક નિયમો બનાવ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ થી વધુ વર્તમાન કોર્પોરેટરોની ટિકિટ કપાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. હાલમાં શહેરના તમામ ૪૮ વોર્ડ માટે ‘સેન્સ’ લેવાની પ્રક્રિયા તેજ બની છે.
ભાજપની ચૂંટણી સમિતિએ ઉમેદવારી માટે ત્રણ મુખ્ય નિયમો નક્કી કર્યા છે, જે અનેક દિગ્ગજા માટે મુશ્કેલી ઉભી કરશે. આ નવા નિયમો મુજબ, ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, જે ઉમેદવારો સતત ત્રણ ટર્મથી ચૂંટણી લડ્યા છે, તેમને પણ આ વખતે આરામ આપવામાં આવશે. સાથોસાથ, પરિવારવાદ પર રોક લગાવતા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ પરિવારમાંથી માત્ર એક જ વ્યÂક્તને ટિકિટ મળશે.
આ ઉપરાંત, ઉમેદવારી ફોર્મમાં આ વખતે સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા પણ પૂછવામાં આવી છે, જે દર્શાવે છે કે ભાજપ હવે ડિજિટલ પહોંચ ધરાવતા યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માંગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની ‘નો રિપીટ થિયરી’ ને કારણે સ્ટેન્ડંગ કમિટિના ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદો પર રહેલા નેતાઓની ટિકિટ પણ જાખમમાં છે. આ થિયરી અંતર્ગત જે નેતાઓના પત્તા કપાઈ શકે તેવી ચર્ચા છે તેમાં ઘાટલોડિયાથી જતીન પટેલ, બોડકદેવથી દેવાંગ દાણી અને કાંતિભાઈ પટેલ, નારણપુરાથી જયેશ પટેલ અને ગીતાબેન પટેલ, ચાંદલોડિયાથી ભરત પટેલ અને હીરાભાઈ પરમાર, ચાંદખેડાથી રાકેશ બ્રહ્મભટ્ટ, ખાડિયાથી ઉમંગ નાયક, શાહીબાગથી જશુભાઈ ચૌહાણ, સરસપુરથી દિનેશ કુશવાહ તેમજ ખોખરા/રામોલથી ચેતન પરમાર, સિધ્ધાર્થ પરમાર અને મૌલિક પટેલનો સમાવેશ થાય છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ છેલ્લા ૨૧ વર્ષથી સત્તા સ્થાને છે. એન્ટી-ઈન્કમ્બન્સી (શાસન વિરોધી લહેર) રોકવા અને નવા લોહીને તક આપવા માટે પક્ષ હાઈકમાન્ડ આ વખતે કોઈ પણ જાખમ લેવા માંગતું નથી. ભાજપના નિરીક્ષકો હાલમાં કાર્યકરોનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, જે ટૂંક સમયમાં ચૂંટણી સમિતિને સોંપવામાં આવશે.