સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સ્તરે ચાલી રહેલો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા-પંચમહાલ જિલ્લામાં પ્રમુખ પદની નિમણૂકને લઈને ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરની ‘જીદ’ અને પંચમહાલમાં ‘યુવા વિરુદ્ધ જુના’નો જંગ કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે.
સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને અલગ જિલ્લા તરીકે માન્યતા આપ્યા બાદ રાજકીય સમીકરણો બદલાયા છે. ભાજપે આ બદલાવને પારખીને વાવ-થરાદ માટે નરેશ ઠાકોરને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે, જ્યારે બનાસકાંઠાની જવાબદારી ક્ષત્રિય નેતા કીર્તિસિંહ વાઘેલાને સોંપી છે. સામે પક્ષે કોંગ્રેસમાં સ્થિતિ તદ્દન અલગ છે. કોંગ્રેસના કાર્યકરોની માગ છે કે નવા બનેલા વાવ-થરાદ જિલ્લા માટે અલગ પ્રમુખની નિમણૂક કરવામાં આવે. આ પદ પર સ્થાનિક ઠાકોર નેતાને તક આપવામાં આવે.
જાકે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આ માગ સામે હઠે ચડ્યા હોય તેમ જણાય છે. તેઓ હજુ પણ બંને જિલ્લાના પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતને જ યથાવત્ રાખવા માંગે છે. ગેનીબેન દ્વારા સતત ગુલાબસિંહને પ્રમોટ કરવામાં આવતા હવે ખુદ તેમના ગઢ ગણાતા વાવ વિસ્તારના ઠાકોર સમાજના કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી છે.
કાર્યકરોની રજૂઆત છે કે તેમને ગુલાબસિંહ સામે વ્યકિતગત વિરોધ નથી, પરંતુ જ્ઞાતિ સમીકરણો અને સંગઠનની મજબૂતી માટે ઠાકોર ચહેરો જરૂરી છે. રાજકીય ચર્ચાઓ મુજબ, ગેનીબેન કદાચ પોતાના વિસ્તારમાં અન્ય કોઈ મજબૂત ઠાકોર નેતા ઉભરી ન આવે તે માટે આ અવરોધ ઊભો કરી રહ્યા છે.
બનાસકાંઠામાં સંગઠનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ અસંતોષ શમવાનું નામ નથી લેતો. નારાજ કાર્યકરોનું એક પ્રતિનિધિમંડળ અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યું હતું અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. કાર્યકરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જા સ્થાનિક લાગણીઓને ધ્યાને રાખવામાં નહીં આવે, તો આગામી પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે વિપરિત પરિણામો ભોગવવા પડી શકે છે.
બીજી તરફ પંચમહાલ જિલ્લામાં પણ કોંગ્રેસની સ્થિતિ’સાપે છછૂંદર ગળ્યા’ જેવી થઈ છે. અહીં કોંગ્રેસે યુવા નેતૃત્વને આગળ લાવવા માટે પ્રયોગ કર્યો અને યુવા પ્રમુખની નિમણૂક કરી. પરંતુ આ નિર્ણય જૂના જાગીઓને ગમ્યો નથી. યુવા પ્રમુખ પાસે અનુભવનો અભાવ છે, તેથી જાણીતા અને વરિષ્ઠ નેતાને જવાબદારી આપવી જાઈએ. જા જૂના નેતાઓને રાખે તો ‘નવા ચહેરાઓને તક નથી મળતી’ તેવી ફરિયાદ ઉઠે છે, અને નવાનો પ્રયોગ કરે તો સંગઠનમાં ભંગાણ પડે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જા કોંગ્રેસ આ જૂથવાદ અને જ્ઞાતિવાદના સમીકરણોને નહીં ઉકેલે, તો શિસ્તબદ્ધ ગણાતા ભાજપ સામે મેદાન મારવું કપરું બની જશે. ગેનીબેનની જીદ અને કાર્યકરોનો વિદ્રોહ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે.