મહેસાણા મનપાના શહેરી વિસ્તારના મિલકત વેરા પેટે રૂ.૨૮.૨૦ કરોડ જેટલી જંગી આવક થઈ છે. છેલ્લા ૨૬ દિવસમાં વ્યાજ-પેનલ્ટી માફી યોજનાનો લાભ લઈને કુલ ૩૧૯૦ મિલકતધારકોએ વેરો ભરી દેતાં રૂ.૪.૪૩ કરોડની વસૂલાત થઈ હતી.
મહેસાણા મનપાના જૂના પાલિકા વિસ્તારની કુલ ૧,૦૮,૭૪૮ મિલકત નોંધાયેલી છે. નિયમિત વેરો ભરનારા મિલકતધારકોને ૧૦ ટકા વળતર અપાતું હોવાથી મોટાભાગના જાગૃત નાગરિકોએ સમયસર વેરો ભરી દીધો હતો. પરંતુ વર્ષોથી વેરો બાકી હોય તેવા મિલકતધારકોને એક સાથે બાકી તમામ રકમ ભરી દેવા માટે પ્રોત્સાહિત કરવા કોર્પોરેશન દ્વારા વ્યાજ-પેનલ્ટીમાં ૫૦ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીની માફી આપતી યોજના જાહેર કરીને વધુ એક તક આપવામાં આવી હતી. સાથે સાથે મનપા દ્વારા માર્ચ મહિનામાં કુલ ૯ રજાના દિવસોમાં પણ મનપા કચેરી, ઝોન કચેરી તેમજ જન સુવિધા કેન્દ્ર ખાતે વેરા વસૂલાત ચાલુ રાખવામાં આવી હતી. જેથી આ યોજનાનો લાભ લેવા તા.૬થી ૩૧ માર્ચ સુધીમાં કુલ ૩૧૯૦ મિલકતધારકોએ તેમનો બાકી તમામ વેરો ભરી દીધો હતો. જેની કુલ રૂ.૪,૪૩,૮૩,૮૭૪ની વસૂલાત થઈ હતી. જેમને કુલ રૂ.૧,૪૬,૬૭,૮૪૫ની વ્યાજ-પેનલ્ટી માફીનો લાભ મળ્યો હતો. ડે.મ્યુ. કમિશનર એ.બી.મંડોરીના માર્ગદર્શન હેઠળ મનપાના ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ બ્રિજેશ પટેલ સહિત પ્રોપર્ટી ટેક્સ વિભાગની ટીમે રિઢા બાકીદારોની દુકાનો સીલ કરવા સહિત કડક વેરા વસૂલાત ઝૂંબેશ હાથ ધરી હતી અને વ્યાજ-પેનલ્ટી માફી યોજના જાહેર કરાઈ હતી. જેના કારણે આ વર્ષે મનપા કચેરીમાં મિલકત વેરાના કુલ માગણા રૂ.૪૩,૦૬,૩૫,૪૪૮ની સામે કુલ રૂ.૨૮,૨૦,૬૧,૦૬૭ જેટલી જંગી વસૂલાત થઈ છે. કુલ ૭૬,૬૪૨ મિલકતધારકોએ વેરો ભરી દીધો છે. જે પૈકી ૧૩,૭૩૮ મિલકતધારકોએ ઓનલાઈન કુલ રૂ.૩,૮૨,૭૧,૧૦૦ વેરો ભર્યો છે. જેમાં પાછલી બાકી રૂ.૨૦,૪૦,૦૫,૫૨૦ની સામે રૂ.૫,૭૪,૦૬,૯૩૦ એટલે કે ૨૮ ટકા વસૂલાત થઈ છે. જ્યારે ચાલુ વર્ષના કુલ માગણા રૂ.૨૨,૬૬,૨૯,૯૨૯ની સામે રૂ.૧૯,૨૫,૯૨,૯૪૬ એટલે કે ૮૫ ટકા જેટલી રેકર્ડબ્રેક વસૂલાત થઈ છે. મનપામાં નવા ભળેલા ગામોની વેરા વસૂલાત પેટે રૂ.૧,૬૩,૫૯,૭૪૩ની આવક થઈ છે. ગત વર્ષે (વર્ષ ૨૦૨૪-૨૫માં) મિલકતવેરાની કુલ આવક રૂ.૨૪.૮૧ કરોડ થઈ હતી.
મહેસાણા મનપા દ્વારા વ્યવસાય વેરામાં ૫૦% વ્યાજ-પેનલ્ટી માફી યોજના જાહેર કરાયા બાદ છેલ્લા મહિનામાં જ વ્યવસાય વેરા પેટે કુલ રૂ.૩,૩૦,૫૬,૪૦૮ આવક મનપાને થઈ હતી. જ્યારે વર્ષ દરમિયાન વ્યવસાય વેરાની કુલ આવક રૂ.૧૨,૧૩,૪૪,૯૪૧ જેટલી થઈ છે. જે ઐતિહાસિક જંગી આવક છે. ગત વર્ષે કુલ આવક માત્ર ૬.૩૫ કરોડ થઈ હતી. આ વર્ષની આવકમાં રૂ.૩.૬૦ કરોડ રોકડા, રૂ.૬.૪૨ કરોડ ચેકથી, રૂ.૧.૩૬ કરોડ તો ઓનલાઈન ૭૩.૨૦ લાખ આવક થઈ છે.